વડોદરા

પતિ દારૂબંધીના ગુનામાં પાસા હેઠળ જેલમાં જતા જ સાવલીના ગ્રામ્ય વિસ્તારમાં પિયરમાં રહેતી યુવાન પરિણીતા સાથે પરિચય કેળવી તેમજ પરિણીતા બાથરૂમમાં ન્હાતી હોઈ તે સમયે તેની નગ્ન અવસ્થામાં મોબાઈલથી વિડીઓ ક્લિપ ઉતારી લઈ તે વાયરલ કરવાની ધમકી આપીને પરિણીતા પર વારંવાર બળાત્કાર ગુજારનાર મુસ્લીમ યુવક અને તેના સાગરીત વિરુધ્ધ પરિણીતાએ ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સાવલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય કેતકી (નામ બદલ્યુ છે)એ ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘ હું મુળ અનુસુચિત જનજાતિની છું અને મે પાંચ વર્ષ અગાઉ સાવલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મરાઠી યુવક સાથે વડોદરાના કારેલીબાગ વેદમંદિરમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ હું પતિ સાથે સાસરીમાં રહેતી હતી. દામ્પત્યજીવન દરમિયાન હું બે પુત્રોની માતા બની હતી. ગત ઓગસ્ટ માસમાં મારા પતિ વિદેશી દારૂના ગુનામાં પકડાતા હું મારા પતિના ખાસ પરિચિત જાહીદ રાયસંગ વાઘેલા -મુસ્લીમ (રહે.મંજુસર ગામ, સાવલી) સાથે ભાદરવા પોલીસ મથકમાં મારા પતિને ટિફિન આપવા માટે ગઈ હતી અને મારા પતિ ૨૨ દિવસ જેલમાં રહ્યા બાદ તેમને પાસા થતા તેમને ગત ૨૭મી ઓગસ્ટ- ૨૦૨૦ના રોજ ભુજ જેલમાં અટકાયત માટે મોકલવામાં આવ્યા હતા.

મારા પતિને પાસા થયાના બે દિવસ બાદ ૨૯મી તારીખના સવારે હું અમારા ઘરની આગળ આવેલા બાથરૂમમાં ન્હાતી હતી તે સમયે બાથરૂમનો દરવાજાે જર્જરીત અને તિરાડવાળો હોઈ જાહીદ વાઘેલાએ મારો બાથરૂમમાં નગ્ન હાલમાં ન્હાતો વિડીઓ તેના મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ જ દિવસે રાત્રે ૧૦ વાગે જાહીદ તેના સાગરીત દિલીપ ઉર્ફ પપ્પુ તખતસિંહ વાઘેલા- મુસ્લીમ (રહે. વાઘેલા ફળિયુ, મંજુસર, સાવલી) સાથે મારી ઘરે આવ્યા હતા. આ પૈકી દિલીપ ઘરમાં આગળની રૂમમાં ખુરશી પર બેઠો હતો અને જાહીદે મારા ઘરમાં વચ્ચેના રૂમમાં પલંગ પર બેસી મને બોલાવીને કહ્યું હતું કે અહીંયા આવ તને કંઈક બતાડુ છું. હું તેની પાસે જતા તેણે મારી બાથરૂમમાં નગ્ન હાલતમાં ન્હાતી વિડીઓ ક્લિપ બતાવી હતી અને મારી પાસે શરીરસંબંધની માગણી કરી હતી. હું જાે તેને શરીરસંબંધ બાંધવા ન દઉ તો તેણે મારા છોકરાને મારી નાખવાની અને મારા પતિને કાયમ માટે ભુજ જેલમાં જ રાખવાની ધમકી આપી હતી અને મારી સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ દર બીજા-ત્રીજા દિવસે આ બંને જણા મારી ઘરે આવતા હતા અને જાહીદ મારી પર વારંવાર બળાત્કાર ગુજારતો અને દિલીપ ઘરની બહાર પહેરો ભરતો હતો. ગત ૫મી નવેમ્બરે મારા પતિના કહેવાથી હું જાહીદ સાથે ઈનોવા કારમાં સાવલીની ક્રિષ્ણા ફાઈનાન્સમાં ગીરવે મુકેલા દાગીના છોડાવવા માટે જતા જાહીદે તે સમયે પણ ચાલુ કારે પાછળની સીટ પર મારી સાથે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો અને મને ફરી ધમકીઓ આપી હતી. ’ આ ફરિયાદના પગલે પોલીસે જાહીદ વાઘેલા અને દિલીપ વાઘેલા સામે બળાત્કાર અને મદદગારી કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લવજેહાદનો ભોગ બનેલી પરિણીતાને છુટાછેડાની ધમકી

ગત ૨૫મી ડિસેમ્બરના રોજ કેતકીનો પતિ પાસામાંથી છુટીને ઘરે આવ્યો હતો જેથી કેતકીએ તેના પતિને જાહીદે અને તેના સાગરીત દિલીપની મદદથી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની જાણ કરી હતી. પત્ની લવજેહાદનો ભોગ બની તેમજ તેની પર વારંવાર બળાત્કારની જાણ થતાં કેતકીના પતિએ તેને છુટાછેડા આપવા ધમકી આપી હતી. જાેકે ગામના એક અગ્રણીને જાણ થતાં તેણે તુરંત દંપતીના ઝઘડામાં દરમિયાનગીરી કરી હતી અને કેતકી નિર્દોષ છે તેનો કોઈ વાંક નથી તેવી પતિની સમજાવટ કરી હતી અને આ અંગે પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરતા આખરે મોડે મોડે કેતકીએ આ લવજેહાદની ફરિયાદ આપી હતી.