વિજય રૂપાણી 7 ઓગષ્ટે મુખ્યમંત્રી તરીકે 5 વર્ષ કરશે પૂર્ણ, ઉજવણીની તૈયારીઓ શરૂ
15, જુલાઈ 2021

ગાંધીનગર-

પાટીદાર આંદોલન બાદ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ૩ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ સોશ્યિલ મીડિયાના માધ્યમથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી અને ૭ ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે ૭ ઓગસ્ટ ૨૦૨૧ના દિવસે મુખ્યપ્રધાન તરીકે ૫ વર્ષ પૂર્ણ કરતા આજે બુધવારે કેબિનેટ બેઠક બાદ એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, સૌરભ પટેલ અને પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.સતત ૫ વર્ષ પૂર્ણ કરનારા ત્રીજા મુખ્યપ્રધાન બનશે.

પત્રકારમાંથી મુખ્યપ્રધાન બનેલા કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી ૭ જૂન ૧૯૮૦થી ૧૦ માર્ચ ૧૯૮૫ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રહ્યા હતા. આમ તેમણે પાંચ વર્ષ અને ૨૯ દિવસ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ તેમણે ૧૦ ડિસેમ્બર ૧૯૮૯થી ૩ માર્ચ ૧૯૯૦ સુધી ૮૩ દિવસ સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. માધવસિંહ સોલંકી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકે સતત ૫ વર્ષ પૂર્ણ કરનારા મુખ્યપ્રધાન બનશે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ૫ વર્ષ પૂર્ણ કરનારા વિજય રૂપાણીના ૫ વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યો અને સિદ્ધિઓને લઈને ખાસ ઉજવણી કરવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટરોને સૂચના પણ આપવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવશે. જેનો સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution