મહુધા, તા.૮ 

મહુધાના ખુંટજથી મહેમદાવાદના સુઢા વણસોલ ગામને જાડતાં માત્ર દોઢ કિમીના કાચા રસ્તાને ડામરવાળો પાકો રસ્તો બનાવવા સ્થાનિકો માગ કરી રહ્યાં છે. સુપર હાઇવેના યુગમાં કાચા રસ્તાને પાકો બનાવવા માટે હજુ ગ્રામીણોએ લડત આપવી પડે છે એ કેવું કહેવાય!? ખુંટજથી મહેમદાવાદ તાલુકાના સુઢા વણસોલ ગામને જાડતો દોઢ કિમીનો રસ્તો અધિકારી અને પદાધિકારીઓના વાંકે કાચો જ રહી ગયો છે. વરસાદની મોસમમાં આ રસ્તો સ્થાનિક લોકો માટે મુશ્કેલીભર્યો બની જાય છે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે, ૩૫ વર્ષ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા રસ્તાની સાઇડમાં ગટર કરી તેની માટી રસ્તા પર નાખવામાં આવી હતી. રસ્તાને સમતલ અને અવરજવર કરવા લાયક બનાવવામાં આવ્યો હતો, જેનાં પગલે બંને ગામના ખેડૂતોએ રાહત અનુભવી હતી. જાકે, વર્ષો વીતી જવા છતાં કોઇ અધિકારી કે પદાધિકારી દ્વારા કાચા રસ્તાઓને પાકા કરવામાં રસ દાખવવામાં આવ્યો નથી! ફક્ત ચૂંટણી ટાણે ફરકતા રાજકીય બાબુઓને પંથકના અંતરિયાળ અને બે ગામોને જાડતાં અત્યંત જરૂરી રસ્તા માટે કોઇ રસ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. માટીવાળા કાચા રસ્તાને પાકો કરવામાં આવે તો બંને ગામના મોટા ભાગના ખેડૂતો સહિત ગ્રામજનોને પણ અત્યંત ફાયદારૂપ નિવડે તેમ છે. ખુંટજના સ્થાનિકોએ કાચા રસ્તાને પાકો બનાવવા જિલ્લા કલેક્ટર સુધી લેખીત રજૂઆતો કરી છે, પણ હજુ સુધી એકેય અધિકારી ફરક્યાં નથી.