હિંમતનગર : સાબરકાંઠા જિલ્લા સહિત મુખ્યમથક હિંમતનગરમાં છેલ્લા ૨ દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને લઈ હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી નદીમાં સૌ પ્રથમવાર નવા નીરની આવક થતાં લોકો પાણી જોવા ઉમટી પડ્યા હતા. જ્યારે હિંમતનગર ટાઉનને અડીને અને હાથમતી નદીને કિનારે આવેલા મહેતાપુરા, પરબડા અને ભોલેશ્વર ગામોને જોડતા કોઝવે ઉપર નદીના પાણી ફરી વળતાં આ ગામોનો શહેર સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો હતો. કોઝ-વે પરથી ઢીંચણસમા પાણીનો પ્રવાહ વહેતો હોવાથી આ ત્રણેય ગામોના ગ્રામજનોને ફરીને હિંમતનગરમાં જવું પડ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં પણ છેલ્લાં બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે શહેરના નીચાણવાળા અને જિલ્લાના કાંઠાવાળા ગામોના લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. જિલ્લામાં ખેતીલાયક વરસાદના પરિણામે વિવિધ પાકોને જીવતદાન મળવા સાથે સારો પાક ઉતરવાની ખેડૂતો આશા સેવીને બેઠા છે,