વડોદરા : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ૧૨ સભ્યોના ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ ભાજપામાં ભડકો થયો છે. પાર્ટીના કાર્યકર ન હોવા છતાં કેટલાકને શિક્ષણ સમિતિમાં સ્થાન અપાતાં સર્જાયેલા વિવાદ વચ્ચે વોર્ડ નં.૧૩ના ભાજપાના કાર્યકરની પત્નીએ સોશિયલ મીડિયા ઉપર બળાપો ઠાલવ્યા બાદ આજે રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે શહેર ભાજપા કાર્યાલય ખાતે જઈને પ્રમુખને અન્યાય મુદ્દે રજૂઆત કરી હતી અને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્યોની પસંદગીને લઈને ભાજપામાં સર્જાયેલા વિવાદ વચ્ચે વોર્ડ નં.૧૩ના ભાજપાના કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોરના પત્ની પિનલબેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકીને તેમના પતિને પાલિકાની ચૂંટણી સમયે અપાયેલ કમિટમેન્ટ મુજબ શિક્ષણ સમિતિમાં સ્થાન નહીં અપાતાં અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલે સામે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે ખૂબ ખૂબ અભિનંદન વડોદરાના અમુક તકસાધુ નેતાઓને... રામજીના નામે પથ્થર તર્યા, મોદીજીના નામે તકસાધુ નેતાઓ... મોદજી પર સંસ્કારીનગરીએ વિશ્વાસ મૂકયો હતોએ પથ્થરક આવા તકસાદુ નેતાઓ ડૂબાડશે?

સોશિયલ મીડિયા ઉપર આ વિવાદીત પોસ્ટ બાદ આજે પિનલબેન ઠાકોર, ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ સહિત રપ થી ૩૦ કાર્યકરો સાથે મનુભાઈ ટાવર શહેર ભાજપા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને શહેર ભાજપા પ્રમુખને અન્યાય મુદ્દે રજૂઆત કરતાં કહ્યું હતું કે, તેમના પતિ છેલ્લા ૧૧-૧૨ વર્ષથી પક્ષમાં સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે. પાલિકામાં પણ બે વખત ટિકિટ આપી, આ વખતે ધારાસભ્ય સીમાબેન મોહિલેએ શિક્ષણ સમિતિમાં સ્થાન આપવાની વાત કરી હતી પરંતુ સમિતિમાં પણ સ્થાન આપવામાં ન આવ્યું તો શું ભાજપમાં કાર્યકર્તા નહીં, મજૂર જાેઈએ છે, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત જારી રાખીશ તેમ કહ્યું હતું.

આ સંદર્ભે ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓએ પણ રજૂઆત કરી હતી. જાે કે, શહેર ભાજપા પ્રમુખે કહ્યું હતું કે, શૈલેન્દ્રસિંહ ઠાકોર પક્ષના એક સારા કાર્યકર છે તેમને શિક્ષણ સમિતિના સભ્ય માટે કોઈ કમિટમેન્ટની જાણકારી સંગઠનને નથી. પાલિકાની ૭૮ જગ્યા માટે તેમજ શિક્ષણ સમિતિની ૧૨ જગ્યા માટે સ્થાન મેળવવા અસંખ્યા કાર્યકરોને આશા હોય છે, પરંતુ પક્ષ દ્વારા તમામ પાસાઓ ચકાસીને ઉમેદવાર નક્કી થતા હોય છે. પરંતુ તેમને આવનાર સમયમાં સંગઠન કે અન્ય જગ્યાએ કોઈ ને કોઈ જવાબદારી અપાશે તેમ કહ્યું હતું.