ગોધરા, તા.૪ 

ગોધરા શહેરમાં ભુગર્ભ ગટર યોજનાના તકલાદિ કામોને લઈને ઉભરાતી ગટર ગંગાના ગંદા પાણી કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સીમેન્ટના રસ્તાઓ સફાચટ બનીને ખાબોચિયામા ફેરવાઈ ગયા હોવાની બેસુમાર અગવડોની પ્રજાજનોની ફરીયાદો પ્રત્યે હંમેશા ગોધરા પાલીકાના અડોડાઈ જેવા વલણના અનુભવો બાદ હવે પ્રજાજનો પણ ગોધરા ન.પાલીકામાં જઈને રજુઆતો કરવા માટે શર્મ અનુભવતા હોવાની હૈયાવરાળો વ્યક્ત કરી રહ્યા છે.

પરંતુ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના આ વિકાસના કામોની દુર્દશાઓને જાેવા માટે અને તટસ્થ તપાસો કરીને પ્રજાજનોને જાહેર ન્યાય આપે એવા એકપણ સક્ષમ અધિકારી અગર તો રાજકીય નેતા પણ નથી.

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારના એસટી વર્કશોપની પાછળ આવેલા ડોડપા તળાવ વિસ્તારમાં ભુગર્ભ ગટરના તકલાદિ અને અભ્યાસ વગરના કામોના પાપે ગટરોની ચેમ્બરોમાંથી ચોવીસે કલાક વહેતા ગંદા પાણીના વહેણના કારણે સિમેન્ટના રસ્તાનુ તો જાણે કે અસ્તિત્વ દેખાતુ જ નથી આ જાહેર રસ્તા ઉપરથી અંદાજે ૧પ ઉપરાંત સોસાયટીઓના રહીશોને ઉભરાતી ગટરોના ગંદા પાણીના વહેણમાંથી ફરજીયાત પસાર તો થવુ જ પડે છે.

પરંતુ ચોવીસે કલાક આ વિસ્તારોના સેકડો રહીશોને અસહ્ય ગંદકી અને દુર્ગંધ વચ્ચે જીવીને પોતાના આરોગ્યની સલામતિઓ માટે ભગવાનને પ્રાર્થનાઓ કરીને ગોધરા પાલીકા તંત્રને પ્રજાજનોના આરોગ્યની ચિંતાઓ અને અગવડો દુર કરવાની સદ્‌‌બુધ્ધી આપે આ લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે રહીશોએ ઘટતું કરવા ઉગ્ર રજૂઆત કરી હતી અને રસ્તાના સમારકામ કરવા કહ્યું હતું.