એમ.ઇ.એસ.સ્કૂલ ખાતે કોવિડ સેન્ટર ખોલવાનો ઉગ્ર વિરોધ
02, એપ્રીલ 2021

વડોદરા : શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. તાંદલજા વિસ્તારમાં આવેલી બિનાનગર સોસાયટી નજીક આવેલી એમઈએસ સ્કૂલમાં કોવિડ-૧૯ સેન્ટર ખોલવાના નિર્ણયનો આસપાસના રહીશોએ ભારે વિરોધ કર્યો હતો. આસપાસની સોસાયટીની મુસ્લિમ મહિલાએ જ કરેલા ભારે વિરોધને પગલે પરિસ્થિતિ વણસે એ પહેલાં તંત્ર દ્વારા પોલીસનો કાફલો ખડો કરી દેવાયો હતો.

કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવતાં શહેરની તમામ ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. એકપણ બેડ ખાલી નથી. સરકારી હોસ્પિટલો ગોત્રી અને સયાજીમાં પણ પેશન્ટોનો ભારે ધસારો છે ત્યારે આગામી દિવસોમાં એ પણ ફૂલ થઈ જશે એવું લાગતાં આગોતરા આયોજનના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોવિડ-૧૯ સેન્ટરો શરૂ કરવાનો તંત્રએ નિર્ણય લેવો પડયો હતો. જેના ભાગરૂપે તાંદલજા વિસ્તારમાં બિનાનગર સોસાયટી નજીક આવેલી એમઈએસ સ્કૂલમાં પણ કોવિડ-૧૯ સેન્ટર શરૂ કરવા માટેની તૈયારીઓ તંત્રે આરંભી હતી અને એ માટેનો જરૂરી સામાન બેડ, દવાઓનો જથ્થો વાહનોમાં એમઈએસ સ્કૂલ ખાતે પહોંચતાં કરાતાં જ વિસ્તારના રહીશોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો.

મોટી સંખ્યામાં ભેગી થયેલી મહિલાઓએ અહીંયાં કોવિડ સેન્ટર શરૂ થશે તો અમારા નાના બાળકોની રમવાની જગ્યા છીનવાઈ જશે, સિનિયર સિટિઝનોને ટહેલવાની જગ્યા નહીં બચે, આ ઉપરાંત દૂધવાળા અને શાકવાળા આ વિસ્તારમાં પગ નહીં મુકે, આસપાસના રહીશોમાં કોરોનાનો ચેપ લાગશે એવી ઉગ્ર રજૂઆત કરી હલ્લાબોલ કરતાં તંત્ર તરત જ જે.પી. રોડ પોલીસ મથકેુ જાણ કરી મદદ માગી હતી. સ્થળ ઉપર મહિલા પોલીસ સહિતનો પોલીસનો કાફલો ઉતરી પડયો હતો. બીજી તરફ તંત્રે સેન્ટર ખોલવાનો મક્કમ નિર્ધાર જાહેર કરી વિરોધ કરનારાઓ સામે એપેડેમિક એક્ટ હેઠળ કડક પગલાં ભરવામાં આવશે એવી જાહેરાત કરતાં માહોલ તંગ બન્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution