વડોદરા

વડોદરા નજીક હનુમાનપુર ખાતે ભારતના સૌથી મોટા ઇલેક્ટ્રિક ટુ વહીલર પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વોર્ડ વિઝાર્ડના પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ સમારંભમાં ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. સ્થાનિક છ હજાર જેટલા યુવાનોને રોજગારી આપનાર પ્લાન્ટના પ્રથમ બાઈકની ચાવી વડોદરા પોલીસને માટે પોલીસ કમિશ્નર સમશેરસિંઘને સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ પ્લાન્ટ અંગે કંપનીના સીએમડી યતીન ગુપ્તેએ જણાવ્યું હતું કે, નવો પ્લાન્ટ એક જ શિફ્ટમાં એક વર્ષમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક ટુ વહીલર્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ પ્લાન્ટ વાર્ષિક ત્રણથી ચાર લાખ યુનિટનું ઉત્પાદન કરવાને માટે સજ્જ છે. સુપર બાઇકના ચાર મોડલ પ્રાથમિક તબક્કે લોન્ચ કરાયા છે. જેમાં બીસ્ટ, થન્ડરબૉલ્ટ,હરિકેન અને સ્કાયલાઈનનો સમાવેશ થાય છે. તેઓએ એવો અંદાજ લગાવ્યો છે કે વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં ઇલેક્ટ્રિક વિહિકલ્સનું ટુ વહીલરનું બજાર બાર હજાર કરોડ જેટલું થઇ શકે છે. યોગ્ય આર્થિક માહોલને કારણે એનો વ્યાપ વધીને ૧૬ ટાકા થવાનો અંદાજ છે. કામપાણી આગામી ૩-૪ વર્ષમાં રૂપિયા ૫૦૦-૬૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક ધરાવે છે. આ ઉપરાંત ઇવીમાં થ્રી વહીલર લોન્ચ કરવા તેમજ યુરોપ, આફ્રિકા, માધ્ય પૂર્વમાં નિકાસની પણ યોજના છે. કંપની જાેય ઈ બાઈક અને વ્યોમ ઇન્નોવેશન જેવી બ્રાન્ડની માલિકી ધરાવે છે.આ પ્લાન્ટમાં પ્રાથમિક તબક્કે કંપની દ્વારા રૂપિયા ૪૫ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. કંપની ૨૦૨૫ સુધીમાં બજારનો ૨૫ ટકા હિસ્સો હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. કંપનીના કુલ ૧૦ જેટલા મોડલો છે. જે આ ઉદ્યોગોમાં સૌથી વધુ છે. કંપનીના ૮૦૦થી વધુ ડીલર્સ છે. જે સંખ્યા આગામી દિવસોમાં વધીને ૨-૩ વર્ષમાં ૨૫૦૦ સુધી પહોંચશે. એમ તેઓએ ઉમેર્યું હતું. આ પ્રસંગે કંપનીના પ્રેસિડન્ટ વિજય આધવ, એચઆર શીતળ ભાલેરાઓ અને ઇન્ટરનેશનલ બિઝનેસ પ્રેસિડન્ટ રવીન્દ્રન નામ્બિયાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.