આણંદ : રવિવારે આણંદની જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકાના ચૂંટણીજંગમાં મતદાનનો દિવસ છે. જાેકે, આ બધી સંસ્થાના જંગમાં આણંદ પાલિકા હસ્તે કરવા રાજકીય પક્ષોના ડોળા મંડરાયા છે. નગર પાલિકાની બાવન પૈકી ૪૯ બેઠક પર રવિવારે જંગ યોજાશે. તંત્રએ પણ ચૂંટણીના પગલે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, રવિવારે રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા પાલિકાઓના બીજા તબક્કામાં મતદાન યોજાશે, જે અંતર્ગત આણંદ પંથકની જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોને દૂધનગરીની પાલિક કબજે કરવામાં સૌથી વધુ રસ છે! મતદાનના અંતિમ સમય સુધી શામ, દામ, દંડ, ભેદનો ખેલ રચી પાલિકાની વધારેમાં વધારે બેઠકો કબજે કરવા એડીચોટીનું જાેર ચારેય પક્ષોએ લગાવ્યું છે. એક બાજુ બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ મેદાનમાં છે તો બીજી તરફ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ એન્ટ્રી કરી છે. જાેકેે, આ ત્રણેય વચ્ચે અપક્ષોએ પણ આ વખતે એડીચોટીનું જાેર લગાવ્યું છે.