મહીસાગર નદીમાં પાણીની આવક વધી, આણંદના 26 ગામને એલર્ટ કરાયા
25, ઓગ્સ્ટ 2020

આંણદ-

વણાંકબોરી ડેમમાં પાણીની સતત વધી રહેલી આવકના કારણે મહીસાગર નદીમાં મધ્યરાત્રીથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા મહી કાંઠા પર આવેલા 26 ગામોને એર્લટ કરવામાં આવ્યાં છે.

આગામી 48 કલાકમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી કડાણા ડેમમાં પાણીની આવક વધુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વણાકબોરી ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાસદ મહીસાગર નદી પર આવેલા પુલ પરથી મહીસાગર નદીનું લઘુરુદ્ર રૂપ જોવા મળ્યું હતું. નદી બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય જવાની ભીતિ ઉભી થઇ છે, ત્યારે તંત્ર તકેદારીના ભાગરૂપે કામગીરી ચાલુ કરી હોવાની જાણકારી સપાટી પર આવી રહી છે.

મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનમાં પડી રહેલા ધોધમાર વરસાદ અને રાજ્યના પંચમહાલ જિલ્લામાં છેલ્લા સાત દિવસથી સતત વરસી રહેલા વરસાદના પગલે કડાણા ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. જેથી ડેમની સપાટી 419 ફુટે પહોંચી ગઇ હતી. જેના પગલે કડાણા ડેમમાંથી વણાકબોરી ડેમમાં બે લાખ ક્યુસેકની આસપાસ પાણી છોડાયું છે. વણાકબોરી ડેમની 126 ફુટ ભયજનક સપાટી છે. જે હાલમાં 118 ફુટથી વધુ વટાવી ચુકી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution