દેવભૂમિ દ્વારકા, કૃષ્ણભૂમિ દેવભૂમિ દ્વારકામાં કુદરતનો ભારે પ્રકોપ જાેવા મળી રહ્યો છે. અને ગત રોજથી દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. તેવામાં દ્વારકાના આસોટા ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો દ્વારકામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ દ્વારકાના અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા આસોટા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે બપોરે થયેલાં વરસાદને પગલે મોટા આસોટા ગામની અંદર પાણી ફરી વળ્યા હતા. અંદાજિત ૫ ઇંચ જેટલાં વરસાદથી ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. ગામના બજારો તેમજ વોકળામાં ધસમસતા પાણીના પૂર જાેવા મળ્યા છે. ભારે વરસાદના પગલે ચારે તરફ પાણી ફરી વળ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસી રહ્યો છે. જામખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ તેમજ દાત્રાણા, બેરાજા, હંજરાપર હાબરડી ગામોમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા. જેને પગલે ખેડૂતોમાં ભારે ખુશી જાેવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના સુપસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આજે અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી હતી. શિખર ધ્વજા પર ધ્વજા ચડાવવા માટેની પાટલીના બે ભાગને વીજ પડવાથી નુકસાન પહોંચ્યું હતુ. જેને લઈને આજે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ છે. શિખર ધ્વજ પર અબોટી પરિવાર જે પાટલી પર બેસી ધ્વજા ચડાવે છે, તે પાટલીના વીજ પડવાથી બે ભાગ થયા છે અને મોટું નુકસાન પહોંચ્યું છે. પાટલીને નુકસાન પહોંચ્યું હોવાથી સુરક્ષાને ધ્યાને લઇ આજે મંદિરના શિખર ધ્વજની જગ્યાએ અડધી કાઠીએ ધ્વજા ફરકાવાઈ હતી. મહત્વનું છે કે અબોટી પરિવાર વર્ષોથી દ્વારકાધીશની ધ્વજા ચડાવે છે.