વડોદરા : સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત થયા બાદ ર૪ કલાક વીતી ગયા બાદ સ્વજનોને અંતિમવિધિ માટે મૃતદેહ અપાતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે અને મોતનો આંકડો છૂપાવવાનો આશય હોય કે વહીવટીતંત્ર ખાડે ગયું હોય એવી પરિસ્થિતિને કારણે મૃત્યુ પામેલા દર્દીઓની હાલત કફોડી બનતાં ભારે રોષ ફેલાયો છે. મોતનો પણ મલાજાે નહીં જાળવી શકતાં તંત્ર ઉપર ફિટકારની લાગણીઓ વરસી રહી છે. સત્તાવાળા કહે એ જ સ્મશાનમાં અંતિમવિધિ થાય એવો આગ્રહ કરાતો હતો.

તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓના આંકડા છૂપાવવાની નાકામ કોશિશ બાદ કોરોનાથી થતા મોતની સંખ્યા પણ બહાર ન આવે એ માટેની રણનીતિ તૈયાર કરી હોય એમ હવે ખાસવાડી સ્મશાન ઉપર અંતિમવિધિ માટે કોરોનાથી મોત પામેલાઓનો ખડકલો ન થાય એ માટે ગોરા હાકેમોને પણ શરમાવે એવા પગલાં જવાબદાર અધિકારીઓ લઈ રહ્યા છે. માત્ર સયાજી હોસ્પિટલમાં જ કોરોનાને કારણે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૧૦ દર્દીઓ મોતને ભેટયા છે એમની તાત્કાલિક અંતિમવિધિ કરાવવાને બદલે નફફટ તંત્ર દ્વારા ર૪ કલાક સુધી મૃતદેહો મુકી રાખી મોતનો મલાજાે પણ જળવાતો નથી અને સ્વજન ગુમાવેલા સગાંવહાલાંઓ ભૂખ્યા-તરસ્યા હોસ્પિટલ અને સ્મશાનની બહાર સગાંના મૃતદેહની વાટ જાેઈ રહ્યા છે.

નારેશ્વર નજીકના કોપણા ગામની મહિલાનું મોત ગત મધ્યરાત્રિ બાદ થયું હતું અને માછી પરિવારને રેવાબેનનું મોત થયું હોવાની જાણકારી આપી માત્ર ચાર સગાંઓને પીએમ રૂમ ખાતે બોલાવ્યા હતા, પરંતુ મૃતદેહના અંતિમસંસ્કાર શહેર નજીકના ઊંડેરા ગામે આવેલા અંતરિયાળ વિસ્તારમાં કોરોનાનો જ મૃતદેહ આપવાની વાત તંત્રએ કરતાં સગાંઓએ વિરોધ દર્શાવ્યો હતો અને અન્ય સગાંઓ ખાસવાડી હોવાથી ત્યાં લઈ જવાનો આગ્રહ સગાંઓએ કરતાં નફફટ તંત્રએ મૃતદેહ સોંપવાનો ઈન્કાર કરતાં સગાંઓ ર૪ કલાક થવા આવ્યા છતાં અંતિમસંસ્કાર કરી શકયા નથી.

એવી જ રીતે અકોટા ખાતે રહેતા અજિત કર્મકારને ગઈકાલે રાત્રે ૩ વાગે સયાજી હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સમાં લઈને આવતાં જ રસ્તામાં મોત થઈ ગયું હતું, પરંતુ રાત્રિના ૧૦ વાગ્યા સુધી ભત્રીજા સુનીલને મૃતદેહ અપાયો ન હતો. અંતે ભત્રીજાએ ચોંધાર આંસુએ રડી કાકલુદી કરતાં તંત્રએ નિઝામપુરા સ્મશાનમાં મૃતદેહની અંતિમક્રિયા કરો તો જ આપવાની તૈયારી કરતાં સુનીલે સ્વીકારવી પડી હતી.

આવી જ દયનીય હાલત અલ્પેશ નામના યુવાનના પિતાના મોત બાદ થઈ હતી. પિતાના નશ્વરદેહને મુખાગ્નિ આપવા માટે ર૪ કલાકથી ભૂખ્યો-તરસ્યો સયાજી હોસ્પિટલના પીએમ રૂમની બહાર બેસી રહ્યો હતો. શહેર વિસ્તારમાં જ રહેતા અન્ય પરિવારની પણ થતા સગાંઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ઊંડેરાના ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો

વડોદરા. સત્તાવાળાઓ આગ્રહ રાખે એ જ સ્મશાનમાં કોરોનાના દર્દીના અંતિમસંસ્કારના નિર્ણયને કારણે ઊંડેરા ખાતે મૃતદેહો લઈ જવાના આગ્રહને કારણે રાત્રિના સમયે ગ્રામવાસીઓએ આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો હતો. કોરોનાના રોગનું સંક્રમણ આસપાસના વિસ્તારોમાં ફેલાશે, આ ઉપરાંત આખી રાત સ્મશાનમાં ચહલપહલ થશે એ ઉપરાંત શહેરવાસીઓને આ ઊંડેરા સ્મશાન બહુ દૂર પડશે એવી દલીલ કરી એકઠા થયેલા ઊંડેરાવાસીઓના વિરોધની આગેવાની સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ અને હિતેશ દેસાઈએ લીધી હતી અને ઊંડેરા, તરસાલી, દંતેશ્વર અને નિઝામપુરા સ્મશાને અંતિમસંસ્કાર કરવાની ફરજ પડાતી હોવાનો વિરોધ કર્યો હતો.