વડોદરા,તા.૭

ગેંડાસર્કલ પાસે આવેલી ટ્રાઈકલર હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીનું મોત થતાં હોસ્પિટલના સત્તાધીશોએ દર્દીના પરિવારજનો પાસે સારવારના હજુ ૧.૬૦ લાખ રૂપિયાનું બિલ બાકી છે તેમ કહી પુરેપુરા નાણાં ચુકવો પછી જ મૃતદેહ આપીશું તેમ કહી મૃતદેહ સોંપવાનો ઈનકાર કર્યો હતો. આ મુદ્દે મૃતક દર્દીના પરિવારજનોએ બિલની ચુકવણી કરી દીધી છે તેમ કહી હોસ્પિટલના સત્તાધીશોની દાદાગીરીનો વિરોધ કરતા હોસ્પિટલ ખાતે પોલીસ તેમજ મિડિયા દોડી ગઈ હતી. જાેકે આ વિવાદમાં આબરુ ખરડાશે તેમ લાગતા જ આખરે હોસ્પિટલ સત્તાધીશોએ મોડી સાંજે વધુ કોઈ નાણાંની વિના મૃતદેહ પરિવારજનોને સોંપી દેતા મૃતકની અંતિમવિધિ કરવામાં આવી હતી.

શહેરમાં રહેતા ૬૧ વર્ષીય રિક્ષાચાલક કિરીટભાઈ ઠક્કરને કોરોના થતાં તેમને ગેંડાસર્કલ પાસે આવેલી કોર્પોરેટ હોસ્પિટલો પૈકીની એક ટ્રાઈકલર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કિરીટભાઈને હોસ્પિટલમાં દાખલ કરાતા જ હોસ્પિટલ તંત્ર દ્વારા પરિવારજનોને પહેલા ૧ લાખ રૂપિયા રોકડા ભરવા સુચના આપવામાં આવી હતી અને નાણાં ભર્યા બાદ સારવાર શરૂ કરાઈ હતી. જાેકે સારવાર દરમિયાન વિવિધ દવા અને અન્ય ખર્ચના નામે હોસ્પિટલ તંત્ર દ્વારા સમયાંતરે રૂપિયા ભરવાની સુચના આપવામાં આવતા પરિવારજનોએ કિરીટભાઈની રિક્ષા તેમજ સોનાના દાગીના વેંચીને નાણાંની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.

આશરે સાડા ત્રણ લાખ રૂપિયા સારવાર પાછળ ખર્ચ કરવા છતાં આજે સવારે કિરીટભાઈનું મોત નીપજતા પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ હતી અને કિરીટભાઈની પુત્રી આરતીબેન સહિતના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જાેકે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ઠક્કર પરિવારજને જાણ કરાઈ હતી કે કિરીટભાઈની સારવારના હજુ ૧.૬૦ લાખ રૂપિયાનું બિલ બાકી છે અને આ નાણાં ચુકવ્યા બાદ જ હોસ્પિટલમાંથી તેમનો મૃતદેહ સોંપવામાં આવશે. જંગી ખર્ચો કર્યા બાદ પણ સ્વજન ગુમાવવાની પીડામાં સરી પડેલા પરિવારજનો પાસે વધુ ૧.૬૦ લાખની માગણી થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.

આ મુદ્દે પરિવારજનો અને હોસ્પિટલના કર્મચારીઓ-સત્તાધીશો વચ્ચે સવારથી રકઝક શરૂ થતાં ગોરવા પોલીસ અને મિડિયા હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પોલીસ અને મિડિયા સમક્ષ ઠક્કર પરિવારે ઉગ્ર આક્ષેપો કરતા હોસ્પિટલ સત્તાધીશોને આ બનાવમાં હોસ્પિટલમાં આબરુ ખરડાશે તેવી જાણ થઈ હતી અને તેઓએ વધુ કોઈ ચાર્જ લીધા વિના મૃતદેહ સોંપવાની તૈયારી બતાવી હતી. જાેકે તેમ છતાં પરિવારને આખો દિવસ રાહ જાેવડાવ્યા બાદ મોડી સાંજે કિરીટભાઈનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો જેને પગલે પરિવારજનોએ ખાસવાડી ખાતે અંંતિમવિધિ પુરી કરી હતી.