અમદાવાદ-

કોરોનાના મહા કહેરમાં ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઈને લાગે છે કે આ વખતે ઉનાળો આકરો સાબિત થશે. હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળે છે. જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આવનારા ૫ દિવસ દરમિયાન ગરમીનો પારો ૪૨ ડિગ્રી પાર કરી શકે છે. સાથે આજથી ૫ દિવસ સુધી અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. અમદાવાદ સહિત ૮ શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને પાર થયો છે.

રાજ્યમાં કાતિલ હીટવેવની આગાહી બાદ હવે ૧૪ મેના રોજ હવામાન વિભાગ દ્વારા બીજી એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી ૧૪મેના રોજ એક લો પ્રેશર સક્રિય થવાની સંભાવના દર્શાવી છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે. લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ લો પ્રેશર સક્રિય થતા હવામાન વિભાગનું સતત મોનિટરિંગવ ચાલી રહ્યું છે.