જમૈકા-

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઝડપી બોલર માઈકલ હોલ્ડિંગે બુધવારે ક્રિકેટ કોમેન્ટ્રીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હોલ્ડિંગ ક્રિકેટમાં સૌથી પ્રભાવશાળી અને વ્યાપક માન્યતા ધરાવતો અવાજ રહ્યો છે, પરંતુ પાછલા વર્ષમાં તેણે ઘણી વખત પ્રોફેશનલ કોમેન્ટેટરથી દૂર જવાનો સંકેત આપ્યો છે. 66 વર્ષીય હોલ્ડિંગ છેલ્લા 20 વર્ષથી સ્કાય સ્પોર્ટ્સની કોમેન્ટ્રી ટીમનો ભાગ હતો. તેની ઉંમર અને ક્રિકેટના વ્યસ્ત સમયપત્રકને જોતા, તેણે 2021 ના અંતે કોમેન્ટ્રીને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. 2021 પછી હોલ્ડિંગ હવે કોમેન્ટ્રી કરશે નહીં.

હોલ્ડિંગે વેસ્ટ ઈન્ડિઝ માટે 60 ટેસ્ટ અને 102 વનડેમાં 391 વિકેટ લીધી છે. 1987 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેણે કોમેન્ટ્રીમાં તેની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. તેણે આઈપીએલમાં કોમેન્ટ્રી કરવાની ના પાડી દીધી હતી. તેણે કહ્યું કે તે આઈપીએલને માત્ર ક્રિકેટ જ નથી માનતો. હોલ્ડિંગના આ નિવેદન બાદ લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું.