ગાંધીનગર-

અમદાવાદમાં મેટ્રો રેલનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. જેને જાેતાં એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં મેટ્રો રેલ શરૂ થશે. જાે કે, સરકારે વિધાનસભામાં સ્પષ્ટ કર્યું છે કે, ૨૦૨૨ પહેલા મેટ્રો રેલ સંપૂર્ણપણે કાર્યરત નહીં થાય.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા દરમિયાન મેટ્રો રેલની કામગીરી અંગે સવાલ કર્યો હતો. જેનો લેખિત જવાબ શહેરી વિકાસ વિભાગે આપ્યો હતો. જવાબમાં જણાવાયું કે, 'અમદાવાદમાં ૬.૫ કિલોમીટરની પ્રાયોરિટી રિચ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીની પૂર્ણ થતાં મેટ્રો સેવા શરૂ થઈ છે. જ્યારે ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ બાકીના વિસ્તારોમાં ૬૭ ટકા કામ પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કાની કામગીરી ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થશે અને મેટ્રો રેલ સેવા ચાલુ થશે.'

બુધવારે વિધાનસભામાં શૈલેષ પરમારે સવાલ કર્યો હતો કે, 'અગાઉના પ્લાન મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ૨૦૧૮માં પૂરો થવાનો હતો. ત્યારે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં પ્રોજેક્ટની સ્થિતિ શું છે અને ક્યાં સુધીમાં પૂરો થશે?' ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી વિજય રૂપાણી ૬૭ ટકા કામ પૂરું થયું હોવાની અને ૨૦૨૨ સુધીમાં પ્રોજેક્ટ પૂરો થઈ જશે તેવો લેખિત જવાબ આપ્યો હતો. અમદાવાદ અને સુરત શહેરમાં એફએસઆઈ વધારી વધુ માળ બાંધવા માટે છેલ્લા બે વર્ષમાં એકપણ દરખાસ્ત ન મળી હોવાનું શહેરી વિકાસ વિભાગ દ્વારા લેખિતમાં જણાવાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલના સવાલના જવાબમાં શહેરી વિકાસ વિભાગે જણાવ્યું કે, ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ સુરત અને અમદાવાદમાં શહેરી વિકાસ કાયદાની કલમ ૨૯-૧ હેઠળ જુદી જુદી નગર રચનામાં એફએસઆઈ વધારી વધુ માળ બાંધી શકાય તેવી કોઈ દરખાસ્ત મળી નથી.