19, ઓગ્સ્ટ 2023
વડોદરા : શહેરના રાજમહેલ રોડ પર નવલખી મેદાન પાસે ધોળા દિવસે ટ્રેલર પર જઇ રહેલ કન્ટેનર ઝાડ સાથે અથડાતાં રોડ ઉપર પડી જવાની ઘટના બની હતી. જેમાં રસ્તા પરથી પસાર થઇ રહેલ ત્રણ ટુ વ્હીલર વાહન ચાલકો અડફેટે આવ્યા હતા, આ ઘટનામાં ચાર લોકોને નાન- મોટી ઇજાઓ થવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. કન્ટેનર સરકીને રસ્તા પર આડું પડી જતાં એક તરફનો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ ડીસીપી, સ્થાનિક નગરસેવકો, ફાયર જવાનો સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતાં.
શહેરમાં ભારદારી વાહનોની સમસ્યાનો અંત ક્યારે આવશે કે તેનો અંત જ નથી? અગાઉ અનેક આવા ભારદારી વાહનોના ચાલકો પોતાના વાહનો બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારીને રાહદારીઓને અડફેટે લેતા હોય છે, જેમાં પોલીસ કર્મી, નાના બાળકો સહિત કેટલાક નિર્દોષ લોકો મૃત્યુ પામતા હોય છે. આજે તેવી જ એક ઘટના શહેરમાં બનવા પામી હતી, પરંતુ તેમાં કોઇ જાનહાનિનો બનાવ બન્યો ન હતો. ૨૪ કલાક ટ્રાફિકથી અતિવ્યસ્ત ધમધમતા રાજમહેલ રોડ ઉપર નવલખી મેદનના પથારી ગેટ પાસે જીજે ૦૬ એવી ૫૫૮૨ના ચાલક મદનસિંહ ચૌહાણને પોતાનું ટ્રેલરનું બેફીકરાઇ તથા ગફલતભરી રીતે હંકારતા રોડની સાઇડમાં વડના ઝાડની ડાળ સાથે અથડાતા ટ્રેલર ઉપર મુકેલ કન્ટેનર રોડ ઉપર પડતાં પાછળ આવતા એક બાઇક ચાલક સહિત બે ટુ વ્હીલર તેની સાથે અથડાયા હતા, જેમાં ગોપાલ રામનાથ તિવારી , આદીપ શાહીદજમાલ અન્સારી, નારાયણ રાજારામ તાંદળેકર સહિત વાસંતી નારાયણ તાંદળેકરને ઇજાઓ પહોંચી હતી. ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ એમ્બુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર ડીસીપી જુલી કોઠિયા, વડોદરા શહેરના મેયર નિલેશ રાઠોડ અને સ્થાનિક નગરસેવક સહિત ફાયરના જવાનો પણ તાત્કાલિક આવી પહોંચ્યા હતાં. અકસ્માતની ઘટના બનતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકટોળા એકત્રીત થયાં હતાં અને તેમને શહેરમાં પ્રવેશતા ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવાની માગ તેમજ હવે આ સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરશે? કે પછી આંખ આડા કાન કરશે તેમ લોકટોળામાં ચર્યાતંુ હતું.
રાજમહેલ રોડ સુધી કન્ટેનર કેવી રીતે પહોંચ્યું?
શહેરમાં અગાઉ અનેક વખત ડમ્પર ચાલકની નિષ્કાળજીના લીધે અનેક રાહદારીઓનો ભોગ ડમ્પર ચાલકો લેતા હોય છે. તેની પરથી પણ શીખ ન લેતી શહેર પોલીસ જાણે ડમ્પર ચાલકોને છાવરતા હોય તેમ ડમ્પર ચાલકો શહેરમાં બિન્ધાસ્તપણે પ્રવેશ કરતાં હોય છે. જાે શહેર ટ્રાફિક પોલીસ ભારદારી વાહનો સામે કડકાઇથી વલણ અપનાવે તો શહેરમાં ભારદારી વાહનો ધોળાદિવસે શહેરમાં પ્રવેશ પણ ન કરી શકે, પણ પોલીસ કેમ આવા ભારદારી વાહનો સામે કડક વલણ નથી અપનાવતા, તેને લઇને શહેર ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક શંકા-કુંશંકાઓ સેવાઇ રહી છે.
ડમ્પર ચાલકોને જાણે શહેર ટ્રાફિક પોલીસનો કોઇ ડર રહ્યો નથી, તેમ શહેર ટ્રાફિક પોલીસના જાહેરનામાનો ભંગ ખુલ્લેઆમ કરી રહ્યા છે. ડમ્પર ચાલકોના સંચાલકો સહિત ડમ્પર ચાલકો ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ નાક નીચે શહેરમાં ડમ્પર પ્રવેશી અને શહેરના રાજમાર્ગો ઉપર બેદરકારીપૂર્વક હંકારતા હોય છે. જેને પરિણામે કેટલાક લોકો આ ડમ્પર ચાલકોનો ભોગ બનતા રહે છે. શહેરમાં અનેક વખત અગાઉ રાહાદરીઓ, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ સહિત રિટાયર્ડ આર્મી જવાનોને અડફેટે લીધા હતા, જેમાં તે લોકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયાં હતાં. આવા અનેક બનાવો છતાં શહેર પોલીસ ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા નથી અને ડમ્પર ચાલકોને છાવરતા હોય તેવો માહોલ છે. ત્યારે ટ્રાફિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થાય છે, જેમાં ફરજ પર હાજર ટ્રાફિસ પોલીસ હપ્તો લઈને છોડી મૂકે છે કે શું છે? આવાં સવાલો લોકો પૂછી રહ્યાં છે. અનેક વખત આવા બનાવ બન્યા બાદ પણ શહેર પોલીસ શીખ લેતી નથી કે પછી આવા ભારદારી વાહનોની સમસ્યાનો અંત નથી. શું નવાં નિમાયેલાં પોલીસ કમિશનર આ મુદ્દે પગલાં ભરશે?
બે દિવસ કામગીરી ચાલશે પછી કશું નહીં
શહેર ટ્રાફિક પોલીસના ઉચ્ચઅધિકારીઓ હવે આ બનાવ બાદ ફકત બે દિવસ ડમ્પર ચાલકો સામે કડકાઇથી પગલાં લઈ વાહનો ડીટેઇન કરશે, પછી ફરી ડમ્પરો આ રીતે બેફામ ભાગતા જાેવા મળશે. મહેશ પટેલ, નાગરિક
આ જ સ્થળ પર ટ્રાફિકનો જમાવડો હોત તો ?
નવલખી મેદાનમાં અવારનવાર કાર્યક્રમો થતાં હોય છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે. જાે આ ઘટના બની ત્યારેે ત્યાં ટ્રાફિકનો જમાવડો હોત તો આ કન્ટેનર કેટલા લોકોનો ભોગ લીધો હોત આ કલ્પના જ ધ્રૂજાવી દે તેવી છે. નિલેશ પ્રજાપતિ, નાગરિક
અકસ્માતના પગલે વિસ્તારમાં ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં
રાજમહેલ મેન રોડ ઉપર કન્ટેનર પડી જતાં એક સાઇડનો રોડ આપોઆપ બંધ થઇ ગયો હતો. અકસ્માતના પગલે લોક ટોળા પણ એકત્રિત થતાં ત્યાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. રાજમહેલ રોડની ગલીઓ, પોળ સહિત રાજમહેલ રોડ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.