દાહોદ

દાહોદ નગરપાલિકાના મુખ્ય હોદ્દેદારોની વરણી ૧૭મી માર્ચે કરી દેવામાં આવી છે ત્યારબાદ હોળાષ્ટક બેસેતે પહેલાં જ પ્રમુખ ઉપપ્રમુખે ચાર્જ સંભાળી લીધો હતો. આ પ્રસંગે તમામ હોદ્દેદારો અને શુભેચ્છકો આનંદના અતિરેકમાં ભાન ભૂલી ગયા હોય તેમ જણાતું હતું અને મોટાભાગના નેતાઓ એ કોરોનાની માર્ગદર્શિકાનું છડેચોક ઉલ્લંઘન કર્યું હતું. જિલ્લામાં કોરોનાના તમામ નિયમોનો રાજકીય પક્ષો શિરચ્છેદ કરી રહ્યા છે. ત્યારે આ નેતાઓ કેવી રીતે શહેરીજનોને બચાવશે તે વિચાર માગતી બાબત છે કારણકે આ જ દિવસે જિલ્લામાં ત્રણ માસ પછી ૧૯ કેસ નોંધાયા હતા અને તેમાંથી ૧૨ કેસ તો માત્ર દાહોદના જ હતા. જે દિવસે પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી તે દિવસે પણ પ્રમુખ ઉપપ્રમુખ તેમજ હોદ્દેદારો છતા તેમના મોટા ભાગના સમર્થકોએ કોરોના ની ગંભીર સ્થિતિ હોવા છતાં ઢોલના તાલમાં મશગુલ બની માસ્તર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોને નેવે મુક્યા હતા અને તે સમયે જેને કાયદાની ખબર છે અને જેના માથે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે. તેવા ફરજ પર મૂકવામાં આવેલા પોલીસ જવાનો પણ રાજકીય નેતાઓના આ નાટકને મુક પ્રેક્ષક બની નિહાળી રહ્યા હતા. આ કેટલા અંશે વ્યાજબી છે તે સવાલ દાહોદની જનતા આ નેતાઓ તથા પોલીસ ને પૂછી રહી છે. કોરોનાનો આંક ફરી વધી રહ્યો છે ત્તેનું પ્રથમ પગથિયું કોવિડ ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. જેમાં માસ્ક ફરજીયાત પહેરવું સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સેનેટાઈઝરનો અચૂક ઉપયોગ કરવો મુખ્ય છે. મેળાવડાઓ યોજવા નહીં કે તેમાં જવું નહીં પરંતુ જિલ્લામાં આ તમામ નિયમોનો શિરચ્છેદ તમામ રાજકીય પક્ષોના નેતાઓએ જ આ ચૂંટણીમાં કરી દીધો છે ચૂંટણીના પ્રચાર માટે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની રેલી તથા સભામાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમના છડેચોક ધજાગરા ઉડયા હતા.