08, જુલાઈ 2020
વોશિગ્ટંન,
વિશ્વમાં કોરોના વાયરસના ચેપના ફેલાવા વચ્ચે, અમેરિકાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) સાથેના સંબંધોને તોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. WHOએ સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટી આરોગ્ય સંબંધિત સંસ્થા છે. તાજેતરમાં અમેરીકા અને WHO વચ્ચે કોરોના વાયરસના ચેપના મૂળ કારણને લઈને ઉગ્ર વિવાદ થયો છે. કોરોના વાયરસ ચેપ માટે યુ.એસ. ચીનને દોષી ઠેરવે છે, જ્યારે ડબ્લ્યુએચઓ કહે છે કે આ મામલે ચીને જવાબદારીપૂર્વક તેની ભૂમિકા ભજવી છે.
WHOથી અલગ થવા માટે યુ.એસ.એ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને દસ્તાવેજો સોંપ્યા છે. નિયમો અનુસાર WHOથી અલગ થવા માટે, 1 વર્ષ અગાઉથી માહિતી આપવી જરૂરી છે. આ રીતે, 6 જુલાઈ 2021 પહેલાં અમેરિકા WHOથી અલગ થઈ શકશે નહીં. તેનો અર્થ એ પણ છે કે આ નિર્ણય પણ આ એક વર્ષમાં બદલી શકાય છે.
મે મહિના દરમિયાન જ્યારે અમેરિકામાં કોરોના વાયરસનો રાફડો ચરમસીમાએ હતો ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમનો દેશ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથેના સંબંધોનો અંત લાવશે.
આ અગાઉ ટ્રમ્પે એપ્રિલમાં જ WHOના ભંડોળ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, તેમણે WHOને એક પત્ર લખીને તેમાં સંગઠનાત્મક સુધારાની માંગ કરી હતી. WHO માટે યુએસ સૌથી મોટું ફંડ છે, એક અહેવાલ મુજબ WHO દર વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને લગભગ 400 મિલિયન ડોલર આપે છે.