અમદાવાદ-

ભારત ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમેચની જે સિરિઝ રમવાનું છે એ પૈકીની ત્રીજી ટેસ્ટમેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમને ફાળવવામાં આવી ત્યારે અમદાવાદના ક્રિકેટપ્રેમી દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લાંબા સમય પછી અમદાવાદીઓને તેમના ક્રિકેટ સ્ટાર્સ ઘર આંગણે રમતા જોવા મળશે.

બીજી ટેસ્ટમેચ જ્યાં રમાવાની છે એ ચેન્નાઈના સ્ટેડિયમ પર અડધી ક્ષમતા સુધી દર્શકોને ભરવાની ક્રિકેટ બોર્ડ દ્વારા મંજૂરી આપી દેવાઈ છે ત્યારે હવે ત્યાર પછી રાજ્યમાં રમાનારી ત્રીજી ટેસ્ટ દરમિયાન પણ આવી મંજૂરી મળી શકે છે. એટલું જ નહીં પણ આ ટેસ્ટમેચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ મેચ જોવા માટે અમદાવાદ આવે એવી ધારણા છે. યાદ રહે કે, મોટેરાનું સ્ટેડિયમ દુનિયાના સૌથી મોટા ત્રણ સ્ટેડિયમો પૈકીનું એક છે, અને તેને ફરીથી તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ક્રિકેટ ટેસ્ટમેચની સાથે સાથે વડાપ્રધાનની મુલાકાત ગોઠવાશે તો ક્રિકેટ ફેન્સના ઉત્સાહમાં ઉછાળો આવશે એ નક્કી છે. આ બાબતે સત્તાવાર જાહેરાત નજીકના ભવિષ્યમાં કરવામાં આવશે.