લોકસત્તા વિશેષ : કોરોના કાળમાં શહેરના તબીબી જગતની ઉત્તમ સેવા વચ્ચે કેટલાક મેડીકલ માફીયાઓની નફો કમાવવાની નિતિના કારણે વડોદરાવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. છેલ્લા ૨ દિવસથી સરકારે રેમડેસીવીર ઈન્જેક્શનને આવશ્યક ચીજવસ્તુ હેઠળ આવરી લઈ તેનો કન્ટ્રોલ કલેકટરને સુપ્રત કર્યો છે. એટલેકે હાલ શહેરમાં આવતા ઈન્જેકશન પહેલા કલેકટર કચેરીને મળે છે અને પછી ત્યાંથી ખાનગી હોસ્પિટલોને દર્દીઓની જરૂરીયાત મુજબ ફાળવવામાં આવે છે. એટલેકે માર્કેટમાં તે મળી રહ્યા નથી. પરંતુ આમ છતાં દર્દીઓની સ્થિતિ જાણતા ખાનગી તબીબો તેમના પરિવારજનોને પ્રિસ્કીપશન લખી આપી રઝળપાટ કરવા મજબુર કરે છે. આ ઈન્જેકશન માટે પરીવારજનો દ્વારા કરવામાં આવતો કલ્પાંત ખરેખર અસહ્ય હોય છે. પરંતુ કેટલાક તબીબોની ખોટી પ્રેકટીસ તમામ જરૂરીયાતમંદ દર્દીઓના ભોગે ઈન્જેકશનની ખેંચ ઉભી કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસથી કોરોના માટે કારગર એવા રેમડેસિવીર ઈન્જેક્શનની ભારે અછત ઉભી થઈ છે. દર્દીઓના પરીવારજનો આ ઈન્જેક્શન મેળવવા માટે ભારે રઝળપાટ કરતા હોય છે. ત્યારે છેલ્લા ૨ દિવસથી સરકારે ઈન્જેકશનની વિતરણ વ્યવસ્થા કલેકટરને સુપ્રત કરી છે. વડોદરામાં છેલ્લા ૩ દિવસમાં ૧૦ હજારથી વધુ ઈન્જેકશન ફાળવવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા કલેકટર કચેરી સમક્ષ જરૂરીયાત મુકવાના બદલે દર્દીના સગાને પ્રિસ્કીપ્શન પકડાવી બજારમાંથી લઈ આવવા દોડવવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં ઈન્જેકશન બજારમાં મળતા નહીં હોવા છતાં દર્દીના સગા મેડીકલ સ્ટોરોમાં રઝળપાટ કરતા જાેવા મળી રહ્યા છે. એટલું જ નહીં તબીબો દર્દીના પરીવારજનોને ગમે તે ભોગે ઈન્જેકશન લઈ આવવા માટે દબાણ પણ કરતા હોય છે. ત્યારે પોતાના સ્વજનને બચાવવા માટે કોઈ પણ ભોગે ઈન્જેક્શન મેળવવા માટેની તાલાવેલી બજાર કિંમત કરતા વધુ કિંમત ચુકવવા માટે મજબુર કરતી હોય છે. આવી સ્થિતિનો લાભ લઈ કેટલાક મેડીકલ માફિયાઓ ઈન્જેકશનની ઉંચી બજાર કિંમત વસુલતા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

સરકારે કાર્યવાહી કરવી જાેઈએ

કોરોના માટે અક્સીર ગણાતા રેમડેસિવીર ઈન્જેક્શન જાે હાલ મુક્ત બજારમાં મળતા ન હોય તો પછી દર્દીઓના સગાને પ્રિસ્ક્રીપ્શન લખી આપી બજારમાં દોડવનાર તબીબો સામે સરકારે કાર્યવાહી કરવી જાેઈએ. શહેરમાં કેટલાક મેડીકલ માફિયાઓના કારણે ઉભી થતી આવી અવ્યવસ્થાને રોકવી હશે તો તોએ સામે સરકારે કાર્યવાહી કરવી જાેઈએ તેવું જાણકારોનું માનવું છે.

દાખલ થાય તે પહેલા જ ઈન્જેક્શનની માંગ

તબીબોના અભિપ્રાય મુજબ રેમડેસિવીર ઈન્જેકશન જે દર્દીના ફેંફસામાં ઈન્ફેક્શન વધી ગયું તેની માટે જ મંગાવાય છે. પરંતુ કેટલાક મેડીકલ માફિયાઓ તમામ દર્દીઓને આ ઈન્જેકશન આપવાની ખોટી પ્રેકટીસ કરી રહ્યા છે. એટલું જ નહીં આવા તબીબો દર્દી દાખલ થાય કે તુરત જ કે તે પહેલાં જ તેની પાસે માર્કેટમાંથી રેમડેસિવીર ઈન્જેક્શનની વ્યવસ્થા કરવાનું કહી દેવામાં આવતું હોય છે.

આજે ૫ હજાર ઈન્જેકશન શહેરમાં વિતરણ કરાયા

રેમડેસિવીર ઈન્જેકશનની અછત વચ્ચે ગઈકાલે મોડી રાત્રે વડોદરાને ૫ હજાર નવા ઈન્જેકશન ફાળવવામાં આવ્યા હોવાનું મેયર કેયુર રોકડીયાએ આજે પત્રકારોને જણાવ્યું હતું. તેઓના જણાવ્યા અનુસાર કલેકટર કચેરી દ્વારા આજે આ જથ્થાનું વિતરણ કરાયું હતું. જેમાં ૩ હજાર ઈન્જેક્શન જુદી જુદી ખાનગી હોસ્પિટલને કરવામાં આવ્યા હતા. જ્યારે ૨ હજાર ઈન્જેકશન ગોત્રી, સયાજી હોસ્પિટલ અને જમનાબાઈ હોસ્પિટલ માટે રાખવામાં આવ્યા હતા.

ક્યાં દર્દીના આંકડા ખોટા ક્યાં ઈન્જેક્શનના આંકડા

હાલ વડોદરા શહેરમાં રોજ સરેરાશ ૪૪૦ જેટલા નવા દર્દીઓ આવી રહ્યા છે. સામાન્ય રીતે એક દર્દીને ૬ રેમડેસિવીર ઈન્જેકશનની જરૂરીયાત હોય છે. આ સ્થિતિમાં રોજ તમામ દર્દીઓ પણ આ ઈન્જેકશનની જરૂરીયાતવાળા હોય તો પણ દૈનિક ૨૬૪૦ ઈન્જેક્શનની માંગ હોવી જાેઈએ. પરંતુ શહેરમાં છેલ્લા ૩ દિવસમાં જ તંત્રએ ૧૦ હજારથી વધુ ઈન્જેકશન ફાળવ્યા હોવાની વાત કહેવાઈ રહી છે. ત્યારે શહેરમાં સામે આવતા દર્દીઓના આંકડા ખોટા છે અથવા તો ઈન્જેકશનના વિતરણના આંકડા ખોટા છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.