વડોદરા,તા.૧૧  

વડોદરા મહાનગર પાલિકાના કોંગ્રેસના મહિલા કાઉન્સિલર અમી રાવત દ્વારા ભાજપના વર્તમાન શાસકો દ્વારા પાંચ વર્ષના શાસનમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર ,ગેરવહીવટ, કાયદા વિરુદ્ધના મનસ્વી, અહંકારી ર્નિણયોથી શહેરની અંદાજે વિસ લાખની જન વસ્તીને અન્યાય થતા એને ઉજાગર કરવાને માટે પાલિકાની મુખ્ય કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ પર બેઠા હતા.

જાે કે પોલીસે તેઓની તુર્તજ અટકાયત કરીને ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરતા અટકાવી દીધા હતા. તેઓએ પાલિકાના શાસકો સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓને કાઉન્સિલર તરીકે જે હક્કો મળ્યા છે. એ હક્કોના આધારે અને કાયદાની જાેગવાઈ મુજબ પૂછેલા પ્રશ્નોના આઠ આઠ માસ સુધી કોઈ જવાબો આપવામાં આવ્યા નથી. જેને લઈને ન્યાય મેળવવાને માટે ત્રણ ત્રણ વખત પાલિકાની સામાન્ય સભામાં જમીન પર બેસવું પડ્યું હતું. પરંતુ નફ્ફટ શાસકો દ્વારા પોતાના પાપનો ઘડો ફૂટી જાય નહિ એને લઈને કોઈ માહિતી પુરી પડાઈ નથી. આ પ્રમાણે એક મહિલાની સાથોસાથ લોકશાહીની ગરિમાનું પણ અહંકારથી ભરેલા શાસકોએ ઘોર અપમાન કર્યું છે.

આ પ્રશ્ને વારંવાર રજૂઆત છતાં મેયર ડો.જિગીષાબેન શેઠ, ડેપ્યુટીઓ મેયર ડો.જીવરાજ ચૌહાણ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સતિષ પટેલના પેટનું પાણી હાલ્યું નથી. તેઓએ ૨૫ -૨૫ મિટિંગો સુધી પૂછેલા પ્રશ્નોના કોઈ જવાબ આપ્યા નથી એવો આક્ષેપ પણ કર્યો છે. એક મહિલા મેયર પણ મહિલા કાઉન્સિલરની ગરિમાને જાળવવામાં નિષ્ફળ રહયાનો આક્ષેપ કર્યો છે. જેઓએ ટર્મ પૂર્ણ થતા સુધી અક્કડતા જાળવી રાખીને સંસ્કારી નગરીની પ્રજાનું પણ અપમાન કર્યાનું જણાવ્યું છે. આ શાસકોના અહંકારી અને મનસ્વી ર્નિણયોને લઈને પાલિકાને કરોડો રૂપિયાનું નુકશાન થયાનો આક્ષેપ પણ અમી રાવતે કર્યો છે. જેને લઈને નગરજનો ભારે હાલાકી ભોગવી રહયા છે. સ્માર્ટ સિટીના સ્વપ્ન બતાવીને ગામડાથી પણ બદતર સ્થિતિ કરી નાખ્યાનું જણાવ્યું છે.