ભાજપી ગોડફાધરોના નામ ખોલશે એ બીકે અસલમનું એન્કાઉન્ટર થશે?
23, જાન્યુઆરી 2021

વડોદરા : બિચ્છુગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાના ભાજપાના નેતાઓ સાથેના સંબંધો ઉજાગર ન થાય એ માટે એનું એન્કાઉન્ટર કરી દેવાશે એવી ચર્ચા જાેરશોરથી અંધારીઆલમમાં ચર્ચાઈ રહી છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રવક્તાએ પણ અસલમ બોડિયાના હાલ ઉત્તર પ્રદેશના વિકાસ દુબે જેવા થશે એમ જણાવી ભાજપના નેતાઓ સાથેના સંબંધોની વાત ઉપર કાયમી પડદો પાડી દેવા આવું કૃત્ય કરાશે એમ જણાવ્યું છે.

ગટરના ઢાંકણાં ચોરવાથી માંડી ગુનાખોરીના આલમમાં શરૂઆત કરનાર બિચ્છુગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાને ભાજપાના જ નેતાઓના આશીર્વાદ હતા, તેથી જ એ જાેતજાેતામાં આટલો મોટો ગુનેગાર બન્યો હતો. ભાજપાના નેતાઓ દ્વારા અસલમને પાસામાંથી છોડાવવા થયેલી ભલામણો બાદ છૂટો દોર મળતાં અશાંત વિસ્તારોની મિલકત ખરીદતા કે વેચતા પહેલા બોડિયાની પરવાનગી લેવી પડતી હતી. ત્યારે ભાજપાના નેતાઓની કરતૂતો બહાર ન આવે એ માટે અસલમ બોડિયાનું એન્કાઉન્ટર કરી દેવાશે એમ શહેર કોંગ્રેસ પ્રવક્તાએ જણાવી ભાજપાના નેતાઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપાના નેતાઓના અસલમ બોડિયા સાથેના સંપર્કો જાહેર થાય તો સામી ચૂંટણી ટાણે ભારે બદનામી થાય એવા ડરે અસલમ બોડિયાની હાલત યુ.પી.ના વિકાસ દુબે જેવી કરી એનું ઢીમ ઢાળી દેવાશે એમ કોંગ્રેસ અગ્રણી શૈલેષ અમીને એક સત્તાવાર અખબારીયાદીમાં જણાવી અસંખ્યવાર પાસા થયેલ બિચ્છુગેંગના બોડિયા અને તેના સાગરિતોને છોડાવવા માટે સારી વ્યક્તિનું પ્રમાણપત્ર આપનાર ભાજપાના નેતા કોણ? એવો સવાલ ઉઠાવ્યો છે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા રપ વર્ષથી ભાજપાનું શાસન છે અને રાજ્યમાં ૧૯૯૮થી ભાજપા સત્તા ઉપર છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની બાબતે રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે. બિચ્છુગેંગને પાળીપોષીને કરોડો રૂપિયાનો ખંડણીખોર બનવા માટે ભાજપા સરકાર અને વડોદરા ભાજપાના નેતાઓ જ છે. શહેરની પ્રજા જાણે જ છે કે રાજકીય છત્રછાયા વગર કોઈ ટપોરી આટલો મોટો ખંડણીખોર બની શકે નહીં. ભાજપાના નેતાઓ એ જ બિચ્છુગેંગને ધાકધમકી આપી ખંડણી અને લૂંટનું લાઈસન્સ છેલ્લા ર૦ વર્ષથી આપ્યું હોવાનું અમીને ઉમેર્યું છે.

કોંગ્રેસ પ્રવક્તાએ પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરને લાંબા સમયથી પત્રો લખી ફરિયાદ કરી હતી કે રાતોરાત મોટો ગુનેગાર અને ખૂનખાર ખંડણીખોરના મોબાઈલની કોલ ડિટેઈલ કઢાવો અને ર૦ વર્ષથી અસલમ બોડિયાને બચાવનાર ભાજપાના નેતાઓ અને ગોડફાધરોની તપાસ કરવી જાેઈએ. જમીનો સાથે સંકળાયેલા ભાજપાના કેટલાય ઉચ્ચ પદાધિકારીઓની કિંમતી જમીનો પર કબજાે મેળવવા માટે બિચ્છુગેંગનો ઉપયોગ કરાતો હતો.

ભાજપ નેતાના મોદીવાદ ચલાવતા ‘પ્રેમાળ પન્ટર’ પણ રડારમાં?

શહેરભરમાં ચાલતી ચર્ચા પ્રમાણે ભાજપાના એક દિગ્ગજ નેતાના કદાવર અને ‘પ્રેમાળ’ સ્વભાવના કાર્યકર સાથે અસલમ બોડિયો અને મુન્ના તડબૂચની ભાગીદારી હતી. અશાંત વિસ્તારોમાં મકાન વેચવા કે લેતાં પહેલાં વિહાર ટોકીઝ સામે આવેલા એક કોમ્પલેક્સમાં જઈ કોમ્પલેક્સના બિલ્ડર સહિત આ લોકોની પરવાનગી લેવી પડતી હતી અને આ ત્રણ દ્વારા નક્કી થયેલી રકમ ચૂકવાય તો જ મંજૂરી મળતી હોવાનો કેટલાયને અનુભવ છે. બીજી તરફ ઉચ્ચસ્થાને એકવાર ચૂંટાયા બાદ હાંસિયામાં ધકેલાઈ ગયેલા એક ભાજપા અગ્રણીના પણ અસલમ બોડિયા પર ચાર હાથ હોવાનું જગજાહેર હોવાનું માનવામાં આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution