1લી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજુ કરતી વખતે સાંસદોને ગેલેરીમાં બેસાડવા પડશે? જાણો બજેટનું A ટુ Z
30, જાન્યુઆરી 2021

૧લી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ પેશ કરવામાં આવશે, પણ તમે સમજાે છો એટલું સરળ નહીં હોય! આ વખતે કોવિડનો ખતરો મંડરાઈ રહ્યો છે! સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે, સાંસદોએ કોવિડ ટેસ્ટ કરાવવી પડશે! તો આપણને સવાલ થાય કે, બજેટસત્રમાં ૫૪૫ સાંસદોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કેવી રીતે બેસાડાશે? વેલ, કોરોના મહામારીને કારણે આ વખતે લોકસભા, રાજ્યસભા અને સેન્ટ્રલ હોલ, એમ ત્રણેય જગ્યાનો ઉપયોગ બજેટસત્રમાં સાંસદોને બેસાડવા માટે કરવામાં આવશે! હજુ ઊભાં રહો, આટલાંથી પૂરું નહીં થાય તો ગેલેરીમાં પણ સાંસદોને બેસાડવાની યોજના છે. આવું એટલાં માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે, લોકસભા - રાજ્યસભાના હોલ એટલાં વિશાળ નથી કે, સાંસદોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડી શકાય. 

હવે વાત કરીએ બજેટસત્રની, કેવું હોય છે બજેટસત્ર? 

સામાન્ય રીતે ભારતની સંસદિય વ્યવસ્થામાં ત્રણ વખત સંસંદનું સત્ર બોલાવવાની પરંપરા છે. મોન્સૂન સત્ર, શીતકાલીન સત્ર અને બજેટસત્ર. અલબત્ત, માન્સૂન અને શીતકાલીન સત્ર તો સમજ્યાં કે તેની ઋતુ મુજબ હોય છે, તો બજેટસત્ર ક્યા મહિનાઓમાં યોજાઈ છે? એક્ચ્યૂઅલી, બજેટસત્ર વર્ષની શરૂઆતનું પહેલું સત્ર હોય છે. આ સત્ર બજેટ રજૂ  કરવાની સાથે તેનાં પર ચર્ચાને લઈને છેક એપ્રિલ-મે સુધી ચાલતું રહે છે. 


દેશનું બજેટ હોય ત્યારે એક શબ્દ આવે છે - વોટ ઓન અકાઉન્ટ! આ વળી શું છે? 



બજેટસત્રના પહેલાં ભાગમાં બજેટ પરની શરૂઆતી ચર્ચા થાય છે. સાથે રજૂ કરવામાં આવેલાં વોટ ઓન અકાઉન્ટને પસાર કરવામાં આવે છે. વોટ ઓન અકાઉન્ટનો સીધો મતલબ એવો છે કે, નવું બજેટ પાસ ન થાય ત્યાં સુધી દેશને ચલાવવા માટે સરકાર પાસે પૈસાની વ્યવસ્થા કરવી. બજેટ રજૂ થવાથી લઈને બજેટ પાસ કરાવવા સુધીની પ્રોસેસમાં એપ્રિલ - મે મહિનો આવી જાય છે. ત્યાં સુધી સરકાર દેશને કેવી રીતે ચલાવે? પરિણામે આ અવધિ માટે બજેટ વખતે જ વોટ ઓન અકાઉન્ટ દ્વારા ખર્ચની વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે.


બીજો એક શબ્દ છે - બજેટસત્રમાં અવકાશ! આ વળી શું હોય છે? 

બજેટ રજૂ કર્યાં પછી બેથી ત્રણ વીકનો અવકાશ એટલે કે બ્રેક આપવામાં આવે છે. આ વખતે પણ બજેટનું પહેલું ચરણ ૨૯ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, એ પછી બ્રેક આવશે. ફરી બીજું ચરણ ૨૧ દિવસના ગેપ બાદ ૮ માર્ચથી ૮ એપ્રિલ દરમિયાન યોજવામાં આવશે. આપણને સવાલ થાય કે, બજેટ રજૂ કર્યાં પછી અચાનક બ્રેક કેમ? એકચ્યૂઅલી, બજેટમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે પૈસાની ફાળવણી કરવામાં આવતી હોય છે. હવે આ ફાળવણીના મુદ્દે વિવિધ વિભાગો માટે બનેલી સંસદિય સમિતી રિવ્યૂ કરે છે. સંસદિય સમિતીમાં સત્તાપક્ષ અને વિરોધપક્ષના સાંસદો હોય છે. બજેટમાં ફાળવાયેલાં નાણાં પૂરતાં છે કે નહીં? આ વિશે સમિતી પોતાના સુઝાવો તૈયાર કરી પ્રસ્તાવ આપી શકે એ માટે બજેટ રજૂ કર્યાં પછી આ અવકાશ આપાવમાં આવે છે. બ્રેક પછી બજેટસત્રનું બીજું ચરણ શરૂ થાય ત્યારે વિવિધ પ્રસ્તાવો સાથે સમિતીઓના સુઝાવો પર ધ્યાન આપવામાં આવે છે. સરકારને યોગ્ય લાગે તો સમિતીઓના પ્રસ્તાવ અને સુઝાવો પર બજેટમાં નાનો-મોટો સુધારો કરી શકે છે. હવે બજેટ પ્રસ્તાવો પર વોટિંગ કરવામાં આવે છે. આ વોટિંગમાં બજેટ પાસ થયાં પછી બજેટસત્રને સમાપ્ત કરવામાં આવે છે, પણ આ દરમિયાન શું-શું થાય છે, એ પણ જાણી લઈએ.

બજેટમાં કટ પ્રપ્રોઝલ એટલે કે, કપાત પ્રસ્તાવ શું છે?



સૌથી પહેલાં વાત - કટ પ્રપ્રોઝલ એટલે કે, કપાત પ્રસ્તાવની. બજેટ રજૂ થયાં પછી કોઈ દળ, સાંસદ બજેટના કોઈ પ્રસ્તાવથી અસંતુષ્ઠ હોય તો લોકસભા અધ્યક્ષ અથવા પીઠાધિન અધિકારીની મંજૂરીથી કપાત પ્રસ્તાવ રજૂ કરે છે. કપાત પ્રસ્તાવ ત્રણ પ્રકારના હોય છે, પહેલો નીતિગત કપાત પ્રસ્તાવ. આ પ્રસ્તાવનો હેતુ બજેટમાં બજેટમાં દર્શાવવામાં આવેલી સરકારની નીતિઓ સામે અસહમતિ પ્રગટ કરવાનો છે. 


બીજાે છે આર્થિક કપાત પ્રસ્તાવ - એ વળી શું છે?

આ પ્રસ્તાવ દ્વારા સરકારની નીતિઓ સામે નહીં પણ બજેટમાં દર્શાવાયેલી નાણાંની જાેગવાઈ સામે અસહમતિ પ્રગટ કરવા માટે છે. અને ત્રીજાે ટોકન કપાત પ્રસ્તાવ. આ પ્રસ્તાવ ફક્તને ફક્ત વિરોધ કરવા માટે લાવવામાં આવે છે. મતલબ કે, બજેટમાં અપાયેલાં અનુદાનમાં નાનો-મોટો ફેરફાર કરવા પ્રસ્તાવ લાવવામાં આવે છે.


હવે સમજીએ કે, બજેટમાં પ્રશ્નકાળ શું હોય છે? 

પ્રશ્નકાળ દરમિયાન સાંસદો સરકારને વહીવટી કે અન્ય મામલે સવાલો કરી શકે છે. આ સવાલોના જવાબ સંબંધિત વિભાગના મંત્રીઓએ આપવા પડે છે. આ વ્યવસ્થાની શરૂઆત ૧૮૯૨માં ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ હેઠળ થઈ હતી. એ વખતે સાંસદો સવાલ પૂછી શક્તાં હતાં, પણ જવાબથી સંતોષ ન થાય તો સપ્લિમેન્ટરી સવાલ પૂછી શક્તાં ન હતાં. ૧૯૦૯માં મોર્લે-મિંટો સુધાર પછી સદસ્યો પૂરક પ્રશ્નો પૂછવાનો અધિકાર ધરાવતાં થયાં છે.


ઝીરો અવર એટલે કે, શૂન્યકાળ શું હોય છે? 

ભારતીય સંસદમાં શૂન્યકાળની શરૂઆત ૬૦ના દસકમાં થઈ હતી. શૂન્યકાળનો હેતુ સાંસદો તાત્કાલિક જાહેર મહત્ત્વના મુદ્દા ઊઠાવી શકે તેવો છે. આ માટે સાંસદોએ પોતાના પ્રશ્નો સવારે ૧૦ વાગ્યા સુધીમાં સંસદના બંને સદનમાં લાગેલાં ડ્રોપબોક્સમાં નાખવાના હોય છે. દરરોજ ૨૦ પ્રશ્નોને લોટરી સિસ્ટમથી ડ્રોપબોક્સમાંથી કાઢીને જે લોકોએ પૂછ્યાં હોય તેમને સંસદમાં મોકો આપવામાં આવે છે. આ વ્યવસ્થા માટે દિવસે ૧૨ વાગ્યાથી ૧ વાગ્યાં સુધીનો એક કલાક નિર્ધારિત કરવામાં આવે છે. અલબત્ત, પિઠાધિન અધિકારી ઈચ્છે તો આ સમયને વધારી શકે છે. 


છેલ્લે એ પણ સમજી લો કે, શૂન્યકાળ શબ્દ ક્યાંથી આવ્યો?

આ વ્યવસ્થા દિવસે ૧૨ વાગ્યે શરૂ થાય છે. એ પછી ઘડિયાળના કાંટાં ૦૦ઃ૦૦ દેખાડે છે. એટલાં માટે આ સમયને શૂન્યકાળ કહેવામાં આવે છે! અલબત્ત, વિશેષ પરિસ્થિતિઓમાં આ સમયમાં ફેરફાર કરી શકાય છે. આ વખતે જ બજેટસત્રમાં લોકસભાનો સમય સાંજે ૪થી ૯ વાગ્યા વચ્ચે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution