દિલ્હી-

દેશની સામાન્ય જનતાને હવે વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ સંસદમાં જાય અને ત્યાંથી પાછા ફરે તે સમયે તેમના કાફલાના કારણે હેરાન નહીં થવું પડે. નવી બની રહેલી સંસદમાં એવી સુરંગો બનાવવામાં આવી રહી છે જે અંડરગ્રાઉન્ડ રસ્તા દ્વારા વડાપ્રધાન આવાસ અને ઉપરાષ્ટ્રપતિના ઘર સુધી જશે. આ કારણે સામાન્ય જનતાને રસ્તા પર વીવીઆઇપી ગતિવિધિઓથી હેરાન નહીં થવું પડે અને સંસદની બહાર ટ્રાફિક પણ સામાન્ય રહેશે.

વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ જેવી હસ્તિઓનો કાફલો ટ્રાફિકને બાધિત ન કરે અને સંસદમાં તેમની અવર-જવર સુનિશ્ચિત થઈ શકે તેવા ઉદ્દેશ્યથી આ સુરંગો બનાવવામાં આવી છે. સેન્ટ્રલ વિસ્ટાની નિર્માણ યોજના પ્રમાણે નવા પીએમ આવાસ અને પીએમઓ સાઉથ બ્લોકમાં હશે અને નવી વીપી ચેમ્બર નોર્થ બ્લોકમાં હશે. તે સિવાય ટ્રાન્સપોર્ટ અને શ્રમ શક્તિ ભવન બાજુ સાંસદોની ચેમ્બર હશે. આ સુરંગોનો ઉપયોગ વિશેષરૂપથી કેટલાક લોકો દ્વારા જ કરવામાં આવશે માટે તે સિંગલ લેન હશે. રાષ્ટ્રપતિ ભવનથી આ પ્રકારના લિન્કની કોઈ જરૂર નથી કારણ કે તે થોડે દૂર જ આવેલું છે અને રાષ્ટ્રપતિ સંસદમાં ભાગ્યે જ આવે છે અને તે પણ પહેલેથી નિર્ધારિત હોય છે. હાલ સેન્ટ્રલ વિસ્ટા અને લુટિયન્સ બંગલા ઝોનના અનેક વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર અને વીઆઈપી પરિવહન માટે આકરી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી લોકોની અવર-જવરને અસર પહોંચે છે.