પટના-

દેશમાં કોરોનાની બીજી લહેરે ભયાનક સ્વરુપ ધારણ કર્યુ છે અને કોરોના ગ્રસ્ત રાજ્યોમાંથી લોકડાઉનની બીકે મજૂરોનુ પણ પલાયન થઈ રહ્યુ છે. છેલ્લા પાંચ દિવસોથી યુપી બિહાર સહિતના શહેરોના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો પર પ્રવાસી મજૂરોની ઘરે જવા માટે ભીડ જાેવા મળી રહી છે. આવામાં બિહારના બક્સર રેલવે સ્ટેશન પર મજૂરોની ભાગ દોડનો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં સંખ્યાબંધ લોકોનુ ટોળુ સ્ટેશનથી બહારની તરફ ભાગતુ જાેવા મળી રહ્યુ છે.

આ વિડિયો અંગે એવો ખુલાસો થયો છે કે, પુણે-દાનાપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે બક્સર સ્ટેશન પર આવેલા લોકોમાં કોઈએ એવી અફાવ ફેલાવી હતી કે, સ્ટેશન પર કોરોનાનુ ટેસ્ટિંગ થઈ રહ્યુ છે અને જેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને જબરદસ્તી ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. આ અફવા એટલી ઝડપથી ફેલાઈ હતી કે, ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરો કોરોના ટેસ્ટથી બચવા માટે સીધા સ્ટેશનની બહાર ભાગ્યા હતા. જેના પગલે ભારે ધક્કા મુક્કી પણ સર્જાઈ હતી.