ગાંધીનગર-

પ્રધાન મંડળના રાજીનામાં પછી નીતિન પટેલ આજે બપોરે મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, " વિજય રૂપાણીએ કેમ રાજીનામું આપ્યું તે અંગે કોઇ ટિકા ટિપ્પણી નથી કરવી. મુખ્યપ્રધાન પોતે સક્ષમ છે. પોતે સંગઠન અને સંઘમાંથી આવેલા છે. પાયાના કાર્યકરથી CM બનેલા વ્યક્તિ છે. આ સાથે રાષ્ટ્રિય નેતાઓ સાથે સતત સંપર્કમાં રહ્યા છે. એટલે તેમણે કેમ રાજીનામું આપ્યું તે અંગે કાંઇ કહેવું તે મારે માટે યોગ્ય નથી.. પરંતુ ગઇકાલે વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ રાજ્યનાં પ્રદેશ અધ્યક્ષ તથા અન્ય નેતાઓએ બેઠક પણ કરી છે. રાજ્યનાં જે પણ નિરીક્ષકો પણ અહિયાં આવ્યા છે અને તેમની હાજરીમાં આજે બેઠક બોલાવવામાં આવી છે". નીતિન પટેલે કહ્યું કે, "રાજ્યનાં પ્રદેશ પ્રમુખ પાટીલે આજે જ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. રાજ્યનાં રાષ્ટ્રીય નેતૃત્વનાં માર્ગદર્શન પ્રમાણે ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષ સહિતનાં નેતાઓ અહિયાં આવેલા છે અને ધારાસભ્યો સાથે જે ચર્ચા વિચારણા થાય તે બાદ નિર્ણય લેવામાં આવશે".

જોકે પત્રકારો દ્વારા તેમને પોતે સીએમની રેસમાં છે કે નહીં? ત્યારે તેમણ જણાવ્યું કે," અમારું રાષ્ટ્રિય નેતૃત્વ જે પણ નિર્ણય લે તે હંમેશા અમે સ્વીકારતા આવ્યા છે. એટલે જ ગુજરાત ભાજપના કાર્યકરોની એકતા ઉદાહરણરૂપ છે, આ કોઇ રેસ નથી, હું એક ધારાસભ્ય છું અને નાયબ મુખ્યપ્રધાન છું, નિર્ણય કરવાનો અધિકારએ પાર્ટીનો છે,ભાજપ પાર્ટી જે નિર્ણય કરશે તે સિરો માન્ય હોય છે".