રાજકોટ-

કોરોનાનું વધુ બિહામણું રૂપ રાજકોટમાં જાેવા મળ્યું છે. વિશ્વમાં જ્વલ્લે જ જાેવા અને જાેખમી ગણાતા ‘મ્યુકોમાઈકોસીસ ‘રોગનું પ્રમાણ કોરોના મહામારીના પગલે ચિંતાજનક રીતે વધ્યું છે. ફેફસાંમાં ઈન્ફેક્શન, લોહીના ગઠ્ઠા જામી જવા ઉપરાંત સ્ટીરોઈડ વગેરે કારણોથી ઈમ્યુનિટી ઓછી થવાની સાથે આ રોગનું જાેખમ તાજેતરમાં વધ્યાનું સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. સરકારી-ખાનગી હોસ્પિટલોમાં આશરે ૮૦ કેસો બહાર આવ્યાનું જાણવા મળ્યું છે.

અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કોરોના પીક પર હતો ત્યારે પણ આવા છૂટાછવાયા કેસો જાેવા મળ્યા હતા પરંતુ, હવે તેનાથી વધુ ઝડપે આ રોગ ફેલાઈ રહ્યો છે. તબીબોએ જણાવ્યું કે ચહેરાના એક ભાગમાં સોજાે, માથાનો દુખાવો, સાઈનસ જામ થઈ જવું, નાક ઉપર કે અંદર કાળા ચાઠાં અને જાે ફેફસાંમાં આ ચેપ પ્રસર્યો હોય તો છાતીમાં દુખાવો, કફ, પેટમાં પહોંચે તો ઉલ્ટી, પેટમાં દુખાવો વગેરે લક્ષણો જાેવા મળતા હોય છે. મોટાભાગના કેસમાં તો દર્દીને આ રોગની શંકા પણ જાય તે પહેલા તે પ્રસરી જાય છે.

આ રોગ મ્યુકરમાઈસીટીઝ નામની ફૂગથી ફેલાય છે જે હવામાનમાં હોય છે. આમ તો દરેક માનવના શરીરમાં તે પ્રવેશતી હોય છે પરંતુ, શરીરની રોગપ્રતિકારક શક્તિ તેનો નાશ કરે છે જ્યારે જેની ઈમ્યુનિટી ઘટી ગઈ હોય તેને આ રોગની શક્યતા વધુ છે. એક તબીબે જણાવ્યું કે અગાઉ આવા કેસોમાં ઓપરેશન કર્યા છે પરંતુ, હવે આ કેસ વધુ ગંભીર સ્થિતિમાં આવી રહ્યા છે. કોરોનાનું આ એક બિહામણું રૂપ હોવાનું લાગે છે પરંતુ, તેનાથી લોકોએ ચિંતા કરવા જેવું નથી, કારણ કે આ વાયરસથી નહીં, ફૂગથી ફેલાય છે અને તેનો ચેપ કોરોનાની જેમ માણસોથી લાગતો નથી અને આવા કેસ જ્વલ્લે જ થાય છે પરંતુ, કાળજી લેવી જરૂરી છે. લોકોએ આ રોગથી બચવા માટે પણ ઈમ્યુનિટી મજબૂત બનાવવી,નાસ, હળદર, પ્રાણાયામ, આરોગ્યપ્રદ સાદો ખોરાક જેવા ઉપાયો કરવા અને નાક-ગળાની હાઈજેનિક કન્ડીશન જાળવવા તબીબો સલાહ આપે છે.