19, જુન 2021
અમદાવાદ-
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચામડીના રોગોમાં ધરખમ વધારો થયો છે. ગત બન્ને મહિનામાં ત્રણ હજાર આસપાસ કેસો નોંધાતા હતા. જ્યારે જૂનના ૧૫ દિવસમાં જ ૩૨૧૦ કેસ નોંધાયા છે. એપ્રિલ મહિનામાં અહીં ૩૨૬૮ અને મે મહિનામાં ૩૨૧૪ દર્દીઓ નોંધાયા હતા. સખત ગરમી અને ભેજવાળા વાતાવરણના મિશ્રિત હવામાનના કારણે આ રોગ થઇ રહ્યા હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.
અમદાવાદ શહેરમાં કોરોના બાદ ફંગસના દર્દીઓમાં વધારો જાેવા મળ્યો હતો જેના કારણે સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળ્યો હતો. ત્યારે હવે ભેજવાળા વાતાવરણ અને ભારે ગરમીના કારણે ચામડીના રોગમાં ધરખમ વધારો જાેવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં પાણી જન્ય રોગો તથા ઝાડા ઉલટીના રોગોના વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. સામાન્ય દિવસોમાં એક સપ્તાહમાં ઝાડા ઉલટીના ૫૦ જેટલા કેસ આવતાં હોય છે. હાલમાં આ કેસમાં વધારો થયો છે અને ૯૦ કેસ નોંધાઈ રહ્યાં છે. તે ઉપરાંત કમળાના ૨૫ કેસ નોંધાઈ રહ્યાં છે. ડાયેરિયાના સામાન્ય દિવસોમાં ૨૫ કેસની સરખામણીએ ૪૮ કેસ આવ્યાં છે. ડોક્ટરોનું માનવું છે કે દૂષિત પાણી તથા ડબલ સિઝનને કારણે આ પ્રકારના કેસ નોંધાઈ રહ્યાં છે. સોલા સિવિલ સહિત અસારવા સિવિલમાં પણ આ પ્રકારના કેસમાં વધારો થયો છે.