કતાર-

મહિલાઓ માટે ખૂબ જ કડક કાયદાઓવાળા ઇસ્લામિક દેશ સાઉદી અરબમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. હાલમાં જ કરવામાં આવેલ ફેરફારો હેઠળ મહિલાઓને આ અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ તેના માતા-પિતાની મંજૂરી વિના પણ નામ બદલી શકે છે. અગાઉ આ માટે પરિવારની પરવાનગી જરૂરી હતી.

સાઉદીના ગૃહ મંત્રાલયે આ માહિતી આપી હતી. નવા કાયદા હેઠળ, હવે સાઉદી અરબમાં કોઈ મહિલા અથવા પુરુષ નામ સહિત પોતાને સંબંધિત મહત્વપૂર્ણ ડેટામાં બદલાવ કરી શકે છે. પહેલા ઘરના વાલીની પરવાનગી લીધા વિના ફક્ત પુરુષોને જ આ કરવાનો અધિકાર હતો. હવે આ અધિકાર મહિલાઓને પણ આપવામાં આવ્યો છે.

દેશમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટે સાઉદી અરબએ તાજેતરના સમયમાં ઘણા ફેરફારો કર્યા છે. ૨૦૧૮માં પહેલી વાર દેશમાં મહિલાઓને વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. વળી, પહેલી વાર સ્ત્રીઓને પુરૂષ વાલી વગર એકલા ફરવા દેવા માટેની પણ મંજૂરી આપવામાં આવી હતી. સાઉદી અરેબિયાની મહિલાઓ પણ હવે પાસપોર્ટ માટે જાતે અરજી કરી શકે છે. અગાઉ તેના પર પણ પ્રતિબંધ હતો.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વિઝન ૨૦૩૦ પર કામ કરી રહ્યા છે. આ અંતર્ગત તેલ પર સાઉદી અરબની ર્નિભરતા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાઉદી અરેબિયા હવે તેલના અર્થતંત્રના ટેગને દૂર કરવા માટે વિશ્વભરના પ્રવાસીઓ માટે તેના દરવાજા ખોલી રહ્યું છે. આ માટે તેણે વિશ્વભરમાં મહિલાઓ પ્રત્યેની પોતાની કડક છાપમાંથી બહાર નીકળવા માંગે છે.