નડિયાદ શહેરમાં ચૂંટણી ફરજમાં રોકાયેલાં કર્મીઓએ આજે મતોત્સવ ઉજવ્યો
24, ફેબ્રુઆરી 2021

નડિયાદ : નગરપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાવા જઇ રહી છે. ત્યારે આ પૂર્વે ચૂંટણીમાં રોકાયેલાં કર્મીઓ માટે નડિયાદમાં આજે મતદાનનું આયોજન કરાયું હતું. આજે મંગળવારના રોજ જિલ્લાના વડામથક નડિયાદમાં ચૂંટણીની અંદર રોકાયેલા કર્મીઓએ મતદાન કર્યું હતું.

સૂત્રોનું જણાવવું છે કે, તંત્ર દ્વારા શહેરના ઈપ્કોવાલા હોલ ખાતે મતદાન મથક ઊભું કરાયું હતું. મંગળવારે સવારે ૮ વાગ્યાથી આ સ્થળે ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત લોકો મતદાન કરવા માટે પહોંચી ગયાં હતાં. મતદાન કરનારાં કર્મીઓમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, સરકારી કર્મચારીઓ મતદાન માટે ઉમટ્યાં હતાં. બેલેટ પેપરથી કરવામાં આવતાં આ મતદાનની પ્રક્રિયાનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વખતે મતદાન સમયે કોરોના મહામારીના લીધે ખાસ માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

આજે નડિયાદમાં યોજાયેલાં મતદાનમાં આશરે ૬૦૦ મતદાતાઓ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. મતદાન મથક બહાર સેનિટાઇઝરની વ્યવસ્થાની સાથે ટેમ્પરેચર મશીનથી ચેક કરી મતદાન મથકોમાં દરેક મતદારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન મતદાન ચાલુ રહ્યું હતું. અનુકુળતાએ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત લોકો મત આપી શકે તેવું આયોજન ઘડવામાં આવ્યું હતું. અધિક કલેક્ટરે મતદાનના સમયે તમામ બાબતોની ચકાસણી અર્થે ખાસ મુલાકાત લીધી હતી. અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે, નડિયાદ પાલિકાના વોર્ડમાં આશરે ૬૦૦ લોકો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત છે, તે તમામ લોકો આજે પોતાના મતનો ઉપયોગ કરી આ લોકશાહીના પર્વમાં સામેલ થશે.

નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી કામે રોકાયેલ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા સવારે ૮ કલાકે શરૂ થઈ હતી, જેમાં જિલ્‍લાના ચૂંટણી વહીવટીતંત્ર દ્વારા નડિયાદ નગરપાલિકાના તમામ વોર્ડના આશરે ૬૦૦ જેટલાં કર્મચારીઓએ આજે પોતાનો પવિત્ર મત આપ્યો હતો, તેમ નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ જણાવ્યું હતું. સાંજના છ વાગ્‍યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. ચૂંટણી સ્થળે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર અવંતિકાબેન દરજી, મામલતદાર પી.ક્રિસ્‍ટ્રી, ચીફ ઓફિસર પ્રણવ પારેખ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલો સ્‍ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution