વડોદરા

લંડનના રહેવાસી અને મૂળ વડોદરાના વતની વિમલ પંડયાની બ્રિટનની રાણીએ સરાહના કરી છે. વિમલ પંડ્યાને કોરોનામાં કરેલા સામાજિક કાર્યો બદલ બ્રિટિશ ક્વિને લેટર ઓફ રેકિગ્નેશન આપ્યો છે. વિમલ પંડ્યા દક્ષિણ લંડનના રોથરહિથના સ્ટોરમાં કામ કરે છે. લંડનમાં માર્ચ-2020માં લોકડાઉન થતાં સ્ટોર્સ બંધ થયા હતા. ત્યારે વિમલ પંડયા સેવા કાર્યમાં જોડાયા હતા. અને, લંડનમાં વસતા કેટલાક પરિવારો અને વૃદ્ધોનો સહારો બન્યા હતા. તેણે લોકોની દવા સહિતની જરૂરિયાતની ચીજોને ઘરેથી યાદી તૈયાર કરી લોકોના ઘર સુધી પહોંચાડી હતી. કોરોનામાં જયારે લોકો પોતાના ઘરેથી નીકળતા ફફડી રહ્યા હતા. ત્યારે વડોદરાના આ નિડર યુવાને લંડનના 50 પરિવારોની નિસ્વાર્થ મદદ કરી હતી. આ સામાજિક કાર્યની પ્રશંસારૂપે 15 ફેબ્રુઆરીએ બ્રિટનની રાણીએ વિમલ પંડયાને એક પત્ર પાઠવ્યો છે. આ પાઠવેલા પત્રમાં લખ્યું છે કે, જેણે 'લંડનમાં અપવાદરૂપ ફાળો આપ્યો છે.'

વિમલ પંડયાએ જે 50 પરિવારોને મદદ કરી હતી તે પરિવારોએ ત્યાંના સમાજમાં અને સોશિયલ મીડિયામાં વિમલભાઇની કામગીરીના મેસેજ વાઇરલ કર્યા હતા. વિમલભાઇ કહે છે કે, 'લોકો કોરોનાકાળમાં ડર સાથે શોપિંગ કરી રહ્યા હતા. દુકાનોમાં ભીડ ઉમટતી હતી. અને, દુકાનમાં માલ ઝડપથી ખાલી થઇ જતો હતો. સ્ટોર ચાલુ થાય તેના કલાકો અગાઉ લાઇનો લાગતી હતી. ત્યારે વિમલભાઇ રાત્રે 11.30 વાગ્યા સુધી લાઇનમાં ઊભા રહી આ સેવા કાર્ય કરતા. રવિવારે તેમના સ્ટોરમાં રજા હોવાથી તેઓ લોકો માટે તેમના ફોન પર ખરીદી કરતા હતા. વિમલભાઇ એ સમયે લોકલ હીરો બની ગયા. ત્યારે વિમલભાઇના જન્મદિને સ્થાનિક 100 લોકો એકત્રિત થયા હતા અને તેઓ જ્યાં નોકરી કરે છે તે સ્ટોર આગળ ઊભા રહી ગયા હતા. અને વિમલભાઇના જન્મદિને એકત્ર થઇ તાળીઓ પાડીને વધાવી લીધા હતા. વિમલભાઇ હાલમાં પણ દરરોજ 20 વ્યક્તિને મદદ કરે છે.

બ્રિટનની રાણીનો પત્ર મળવો એક સ્વપ્ન સમાન

વિમલભાઇ કહે છે, કોરોનાની સ્થિતિનો કેટલાક લેભાગું લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યાં હતા. ત્યારે મેં જરૂરિયાતમંદોને નિ:શુલ્ક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. મારા બોસ પડતર કિંમતે વસ્તુ સ્ટોરમાંથી આપતા હતા. જ્યારે સ્ટોરમાં કોઇ ન હોય અને કોઇ ફોન આવે ત્યારે હું સ્ટોર બંધ કરી વસ્તુ પહોંચાડતો હતો. મેં વિચાર્યું પણ ન હતું કે, હું લંડન આવીશ અને અહીંના સમાજનો હિસ્સો બનીશ અને આવું સન્માન મળશે. ઇંગ્લેન્ડનાં ક્વિનનો આ રીતે પત્ર મળવો એ સ્વપ્નસમાન છે.