વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની વિવિધ આવાસ યોજનાઓ પૈકી વુડા દ્વારા ભાયલી ખાતે અંદાજે ૮૦૦ જેટલા મકાનો બનાવવામાં આવ્યા છે. જેના ડ્રોમાં અંદાજે ૧૨૬ જેટલા આવાસોની ફાળવણી લઘુમતીઓને કરવામાં આવી છે. આ બાબતને લઈને વિવાદ ઉભો થવા પામ્યો છે. જેમાં એક તરફ ભાયલીના ગ્રામજનો અને આ વિસ્તારના અગ્રણીઓના ગ્રુપ ભાયલી અવેરનેસ ગ્રુપ દ્વારા કલેક્ટરને ફાળવણી રદ્દ કરવાને માટે રજૂઆત કરવામાં આવી હતી. જયારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા પણ લઘુમતીઓની ફાળવણી રદ્દ કરવા માગ કરી હતી. આ વિવાદ વકરતા બીજી તરફ પાલિકાના પૂર્વ કાઉન્સિલર ફરીદ કટપીસવાળાની આગેવાની હેઠળ લઘુમતીઓના જૂથે પાલિકાના કમિશ્નર અને વુડાના અધ્યક્ષ સ્વરૂપ.પી.ને મળીને લઘુમતીઓને હિંદુઓ જાેડે રહેવામાં કોઈ જ વાંધો નથી. તેમજ તેઓની ફાળવણી લકી ડ્રો થકી થઇ હોઈ એને યથાવત રાખવાને માટે રજૂઆત કરી છે. આ ઉપરાંત અ.અઝીઝ દાનગીવાળા અને અન્યોએ શહેરના પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપીને ભાયલી અવેરનેસ ગ્રુપના હોદ્દેદારો અને તેના સભ્યો સહિતના અન્યોએ બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું, કોમી તોફાનો થાય તેવું ષડયંત્ર રચીને જે ગુનાહિત કૃત્ય કરેલ છે. એ બદલ તેઓની ધરપકડ કરીને એમની વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવા માગ કરી છે. આમ ભાયલીમાં મકાનોની ફાળવણીને લઈને બંને પક્ષો સામસામે આવી જતા વિવાદ વકર્યો છે.  

સીપીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે પાલિકા દ્વારા સરકારી આવાસ યોજના અંતર્ગત ગરીબો, નિરાધારોને ઈ.ડબલ્યુ.એસ. યોજના હેઠળ મકાનો આપવામાં આવે છે. થોડા સમય અગાઉ આ સ્કીમ હેઠળ ભાયલી ખાતે ભાયલીના મકાનોનો ડ્રો કરીને એની લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી હતી. જેમાં અંદાજે ૮૦૦ ઉપરાંત મકાનોમાંથી ૧૨૬ જેટલા મકાનોના લાભાર્થીઓ મુસ્લિમો છે. જેઓ સામે દ્વેષભાવ રાખીને ભાયલી અવેરનેસ ગ્રુપના હોદ્દેદારો, સભ્યો તેમજ એમાં સામેલ હિન્દુઓના ટોળાએ હિન્દૂ-મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય, કોમી તોફાનો ફાટી નીકળે એવા જાહેરમાં સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ પર લખી બહુમતી સમાજને મુસ્લિમો વિરુદ્ધ ભડકાવવાનું ગુનાહિત કૃત્ય કરેલ છે.જેથી તેઓ સામે ગુનો નોંધી, ધરપકડ કરીને કાર્યવાહી કરવા માગ કરી છે.આમ હવે ભાયલીના મકાનોની ફાળવણીના પ્રશ્ને બંને જૂથો સામસામે આવી ગયા છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે સંઘર્ષના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ભાયલીમાં મકાનોની ફાળવણી મામલે સાપે છછુંદર ગળ્યા જેવો ઘાટ ઘડાયો

ભાયલીમાં વુડા દ્વારા વિવિધ યોજના હેઠળ આવાસો બનાવીને એની લકી ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવી છે. જેમાં ૮૦૦ જેટલા મકાનો પૈકી ૧૨૬ જેટલા મકાનો લઘુમતીઓને ફાળવવામાં આવતા વિવાદ વકર્યો છે. એક તરફ આ ફાળવણીને રદ્દ કરવાની માગ ઉઠી છે. તો બીજી તરફ કાયદા મુજબ ડ્રોમાં ફાળવાયેલ મકાન આપવાની માગ ઉઠી છે. લઘુમતીઓ એવો દાવો કર્યો છે કે અમને બહુમતીની વસ્તી વચ્ચે રહેવામાં કોઈ વાંધો નથી. તો પછી તેઓ અમારો વિરોધ કેમ કરી રહ્યા છે? જાેકે આ અસમાનતાને લઈને હાલ તો તંત્ર માટે સાપે છછુન્દર ગાળ્યા જેવી સ્થિતિ સર્જાતા મોટા પડકાર રૂપ બાબત બની ગઈ છે. આ સમસ્યાને લઈને ભવિષ્યમાં આવાસ યોજનાઓમાં પણ વર્ગીકરણ કરવું પડે એવી સ્થિતિ સર્જાવા પામી છે.

આ અગાઉ પણ આવાસોની લઘુમતીઓને ફાળવણીને લઈને વિવાદ સર્જાયો હતો

વડોદરા મહાનગર પાલિકાના તંત્રની અણઆવડત અને બેધારી નીતિને લઈને શહેરમાં બંધાયેલ વિવિધ આવાસ યોજનાઓને લઈને વિવાદ સર્જાવા પામ્યો છે. આ અગાઉ પણ હરણી મોટનાથ માર્ગ પર પાલિકાના લઘુમતી કોમના અધિકારીના નજીકના સબંધીને મકાનની ફાળવણીને લઈને વિવાદ સર્જાયો હતો. કેટલાક લઘુમતીઓ હિન્દૂ જેવી અટક લખીને મકાનો મેળવી લેતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. એ સિવાય શહેરના સોમા તળાવ અને અન્ય વિસ્તારોમાં આવાસ યોજનાઓમાં લઘુમતીઓને મકાનની ફાળવણીને લઈને વિવાદ સર્જાયો હતો.