અમદાવાદ-

આજે સવારથી જ અમદાવાદમાં પવન ફૂંકાવાનો શરૂ થયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. 'ગુલાબ' નામનું ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા મુજબ, ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ ડિપ ડિપ્રેશન છે, જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મંગળવારે ખાબકેલા વરસાદને લીધે રાજ્યમાં વાહનવ્યવહારને મોટી અસર પહોંચી હતી. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચાર સ્ટેટ હાઈવે,138 પંચાયતના માર્ગો મળીને કુલ 142 રસ્તાઓ બંધ થયાં છે. છેલ્લા 24 કલાકમાં સુરત, નર્મદા, વલસાડ, અમદાવાદ, આણંદ, તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 100 મિ.મી કરતાં વધુ વરસાદ થયો છે.