વડોદરા તા.૨૫  

શહેરમાં ગોરવા-લક્ષ્મીપુરા રોડ ખાતે રૂ.૧૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થઇ રહેલ ૧૫૬૦ ઇ.ડબલ્યુ.એસ-૨ પ્રકારના મકાનો પૈકી ૯૭૬ આવાસોનો પ્રાયોરીટી તથા નંબરીંગ ડ્રો યોજવામાં આવ્યો હતો. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા વડોદરા શહેરના ગોરવા ખાતે નિર્માણ થઇ રહેલા કુલ ૧૫૬૦ ઇ.ડબલ્યુ.એસ-૨ પ્રકારના આવાસો પૈકી ૯૭૬ આવાસો માટેનો ઇ-કમ્પ્યુટરરાઇઝ ડ્રો નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી યોગેશ પટેલ તથા બોર્ડના ચેરમેન ી મહેન્દ્રસિંહ સરવૈયા,ધારાસભ્ય જીતુભાઈ સુખડિયાના હસ્તે ગાંધીનગરથી સંપન્ન થયો હતો. રાજ્ય મંત્રી ી યોગેશ પટેલે જણાવ્યું કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રાજ્યમાં અત્યાર સુધી ૧,૭૬,૮૩૦ આવસનું નિર્માણ કરવામાં આવ્યું છે.હાઉસીંગ બોર્ડ દ્વારા ૨૦૧૪ થી આજ દિન સુધી વડોદરા કચેરી દ્વારા કુલ ૩૪૨૧ જેટલા જુદી જુદી કેટેગરીના લાભાર્થીઓ માટેના આવાસોનું બાંધકામ પુર્ણ કરી ફાળવણીના નિયમો અનુસાર ફાળવણી કરી લાભાર્થીઓને રહેણાંક હેતુસર ફાળવવામાં આવ્યા છે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગૃહ યોજના તથા મુખ્યમંત્રી ગૃહ યોજનાની જાહેરાત અંતર્ગત વધતા જતા શહેરીકરણને કારણે શહેરી સુવિધાઓની માંગ-જરૂરીયાતમાં આવાસોનો ઘણો વધારો થયો છે.

રાજ્ય સરકારે આ સમસ્યાના નિરાકરણ માટે સુવ્યવસ્થિત વિકાસના હેતુસર મિશન-૨૦૨ર સુધીમાં શહેરોને ઝુપડપટ્ટી મુકત બનાવવા તેમજ શહેરી ગરીબ તેમજ ઓછી આવક જુથના લાભાર્થીઓને વ્યાજબી કિંમતે આવાસો પુરા પાડવા માટે પ્રધાનમંત્રી ગૃહ તથા મુખ્યમંત્રી ગૃહ યોજના અમલમાં મૂકી છે. તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા અત્યારની જરૂરીયાત મુજબ બોર્ડના માળખામાં બાંધકામની પ્રવૃતિમાં અને પધ્ધતિઓમાં ધરમુળથી ફેરફારો કરી નવી યોજનાઓ આધુનિક સમયની જરૂરીયાત મુજબ સુદ્રઢ તેમજ ગુણવત્તાયુક્ત બનાવવામાં આવી છે.