વડોદરા : વડોદરાના તમામ સ્મશાનોની ઈલેકટ્રીક ચીતાઓ બંધ હોવાથી કોરોનાથી મૃત્યુ પામનારાઓનો અંતિમ સંસકાર પણ લાકડાની ચીતા પર કરવા પડતા હોવાથી અને રોજે રોજ કોરોનાના ૧૫-૨૦ મૃતકોની અંતિમ વિધીનું વધારાનું ભારણ આવી પડતાં સ્મશાનોમાં કલાકો સુધી વેઈટીંગની સ્થિતીનું શરમજનક અને ધાતક સંજાેગોનું નિર્માણ થયું છે. કોરોનાના રોગચાળાને પહોંચી વળતા હોવાની ગુલબાંગો પોકતા સરકારી તંત્રની બેદરકારી નિષ્ફળતા અને ગંભીર ગુન્હાહિત પ્રવૃત્તિનો પર્દાફાશ કરતી આ સ્થિતિએ હાલ સ્મશાનોમાં પણ મૃતકોના સગા-સંબંધીઓમાં રોષ અને ગભરાટનો માહોલ સર્જી દીધોછે. કોરોના સિવાયના કારણોથી મૃત્યુ પામતા લોકોના અંતિમ સંસ્કાર પણ લાકડાની ચીતાઓ પર થાય છે અને એજ સમયે કોરોના મૃતકોને અગિનદાહ આપતું અત્યંત જાેખમી હોવાને કારણે એવા મૃતદેહોને કોઈને કોઈ બહાને કલાકો સુધી હોસ્પિટલોમાં પ્લાસ્ટીકમાં લપેટીને મુકી રાખવામાં આવતા હોવાની માહિતી બહાર આવી છે. એટલું જ નહીં સાંજે ૭ વાગ્યા પછી આવા કોરોનાના મૃતકોને જ અગ્નિદાહ આપવાનું બિન સત્તાવાર સમજુતી સધાઈ હોવાથી આખો દિવસ પડી રહેલાં મૃતકોના શબોને એક સાથે સ્મશાને પહોંચાડવા એક જ એમ્બુલન્સમાં બે-બે કે ત્રણ ત્રણ મૃતદેહો ઠાંસી ઠાંસીને ભરીને સ્મશાનો તરફ રવાના કરાતા હોવાની માહિતી સાંપડી છે. 

વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સંખ્યાબંધ મોત થઈ રહ્યાં છે, જેના કારણે યમદૂત પણ ઓવર ટાઈમ કરીને થાકી જાય તેમજ મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે ર૪ કલાક પણ ઓછા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

માહિતગાર સૂત્રોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, માત્ર સયાજી હોસ્પિટલમાં જ રોજની સરેરાશ ૮ થી ૧૦ દર્દીઓના કોરોના પોઝિટિવમાં મોત થઈ રહ્યાં છે, જ્યારે ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં મોત થાય છે એ અલગ. બીજી તરફ શહેરમાં આવેલા અને કોરોનાની બોડીઓનો નિકાલ કરવા માટે નક્કી કરાયેલા સ્મશાનોમાં આવેલ ગેસચિતાઓ મેઈન્ટેનન્સના અભાવે હાલ બંધ હાલતમાં પડી છે. જેથી કોરોનાની સરકારની નવી ગાઈડલાઈન મુજબ કોરોનાની ડેડેબોડીઓને લાકડાંની ચિતા ઉપર અંતિમવિધિ કરવામાં આવી રહી છે. જે કારણે શહેરના ખાસાવડી સ્મશાન સહિત અન્ય સ્મશાનગૃહોમાં ડેડબોડીના નિકાલ માટે ભારણ વધી ગયું છે. એટલું જ નહીં, લાકડાંની ચિતામાં ડેડબોડીઓનો નિકાલ થવામાં સમય લાગતો હોવાથી હાલના તબક્કે ર૪ કલાક પણ ઓછા પડે તેવી સ્થિતિ સર્જાય છે.

શહેરના સ્મશાનોમાં આવેલ ગેસચિતા કેટલાય સમયથી ખોટકાયેલી હાલતમાં હોવા છતાં સેવા સદનના ઉદાસીન વહીવટીતંત્રના પાપે કોરોનાની ડેડબોડીઓનો નિકાલ રાત્રિના સમયે કરવાનો વારો આવ્યો છે. જ્યારે સામાન્ય વ્યક્તિઓના મૃતદેહોના અંતિમસંસ્કાર દિવસ દરમિયાન કરવામાં આવી રહ્યા છે. જેની સીધી અસર હોસ્પિટલના વહીવટી તંત્ર અને સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓ ઉપર પડી રહી છે.

બીજી તરફ દિવસ દરમિયાન કોરોનામાં મોતને ભેટનાર દર્દીઓના મૃતદેહ હોસ્પિટલમાં મુકી રાખવામાં આવે છે અને સાંજના સાત વાગ્યા પછી જ ડેડબોડીઓના અંતિમસંસ્કાર માટે સ્મશાન ખાતે મોકલી આપવામાં આવે છે જેના કારણે સ્મશાનમાં કામ કરતાં કર્મચારીઓને ર૪ કલાક ઓછા પડી રહ્યા છે. સ્મશાનમાં અંતિમસંસ્કાર કરનાર કર્મચારીઓના જણાવ્યા મુજબ સામાન્ય કદ ધરાવતા મૃતદેહોને પંચમહાભૂતમાં વિલિન થતાં એકથી દોઢ કલાક થાય છે, જ્યારે કોરોના જેવી બીમારી ધરાવતા કે જાડું શરીર હોય તેવી બોડીને ત્રણ કલાક જેટલો સમય લાગે છે, જેના કારણે પણ સ્મશાનમાં ડેડબોડીઓના નિકાલમાં વિલંબ થતો હોવાનું જાણવા મળ્યું છે.

એક એમ્બ્યુલન્સમાં એકસાથે બે-ત્રણ મૃતદેહો લાવવામાં આવતાં ઓળખમાં થતી મુશ્કેલી

વડોદરા. કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટેલા દર્દીઓના મૃતદેહોને હોસ્પિટલમાં મુકી રાખવામાં આવ્યા બાદ સાંજના સમયે એક એમ્બ્યુલન્સમાં એક કરતાં વધુ ડેડબોડીઓ મુકીને સ્મશાન ખાતે લાવવામાં આવતાં મૃતકના સ્વજનોની લાગણી દુભાવાઈ રહી છે. એટલું જ નહીં, એમ્બ્યુલન્સ સાથે આવતા મૃતકના સ્વજનો કેટલીક વખત એક જ સરખી કિટમાં પેકિંગ કરવામાં આવેલા હોવાથી મૃતકોની ઓળખ કરવામાં મુશ્કેલી થતી હોય છે.

ચિતા પર કોરોનાની ડેડબોડીનો નિકાલ કરવામાં આવતાં લાકડાંનો વપરાશ વધ્યો

વડોદરા. કોરોનાની નવી ગાઈડલાઈન મુજબ લાકડાંની ચિતા પર કોરોનાની ડેડબોડીઓને નિકાલ કરવામાં આવતો હોવાથી સામાન્ય દિવસો કરતાં લાકડાંના વપરાશમાં પણ અનેક ગણો વધારો થયો છે. હાલ લાકડાંનો માસિક ખર્ચ અંદાજે બેથી ત્રણ લાખ જેટલો આવી રહ્યો છે. જાે કે, આ લાકડાંનો તમામ ખર્ચ વરસોથી સમાજ સેવાનું કાર્ય કરતા જલારામ સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા સેવા આપવામાં આવી રહી છે.