અમદાવાદ

આજે ૨૦૨૦નો છેલ્લો દિવસ છે ત્યારે અમદાવાદમાં ૬ રાઉન્ડ ફાયરિંગ કરી એક યુવકની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં કર્ણાવતી બંગ્લોઝ પાસેના રાધે ચેમ્બર્સમાં સિક્યોરિટી ઓફિસમાં ફાયરિંગ થતાં જસવંત રાજપૂત નામના યુવકનું મોત થયું છે. આ મામલે રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બે આરોપીની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતીમાં હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય રાત્રે શહેરમાં જુદાજુદા વિસ્તારમાં દારૂ પીધેલા ૫૦ લોકો પકડાયા હતાં. તેમજ આંબાવાડીના ભુદરપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર થર્ટી ફસ્ટની રાત્રે ૮ વાગ્યા આસપાસ વસ્ત્રાલમાં કર્ણાવતી ચાર રસ્તા પાસે રાધે ચેમ્બર્સની ઓફિસ નંબર ૨૦૩માં અર્પણ જયપ્રકાશ પાંડે (રહે. માધવપાર્ક વિભાગ-૨, વસ્ત્રાલ) અને સુશીલ સિંહ રામવિલાસ સિંહ ઠાકુર (રહે. દેવીકૃપા ટેનામેન્ટ, વસ્ત્રાલ)એ જસવંતસિંહ રામનરેશસિંહ રાજપૂત (રહે. જયશ્રી ટેનામેન્ટ, અર્બુદાનગર, ઓઢવ) પર લાયન્સવાળી રિવોલ્વરથી ૬ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં જસવંતસિંહ રાજપૂતને માથા, ગળા તથા શરીરના પાછળના ભાગે ગોળી વાગતાં મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથધરી હતી. પોલીસે આ મામલે બંને આરોપીઓની અટકાત કરી છે. આરોપીઓ પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર તથા છરો જપ્ત કર્યો છે. હત્યા પાછળ રૂપિયાની લેતી-દેતી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં જુદાજુદા વિસ્તારોમાં ચેકિંગ હાથધરવામાં આવ્યું હતું. જેમાં સરખેજમાં ૭, વેજલપુરમાં ૨૧, વાસણામાં ૧૪, ઓલિસબ્રિજમાં ૫, આનંદનગરમાં ૨ અને સેટેલાઇટમાં ૧ મળી ૫૦ લોકો દારૂ પીધેલી ઝડપાયા હતાં. આ સાથે જ ૪૪ વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા હતાં. બીજી તરફ આંબાવાડી વિસ્તારના ભુદરપુરામાં સામાન્ય બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે મામલો બીચકતા સામે-સામે પથ્થરમારો થયો હતો. ઘટનાને પગલે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.