07, જાન્યુઆરી 2021
વડોદરા : સાવલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરિવાર સાથે રહેતી યુવાન પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને તેની પર બે માસ સુધી બળાત્કાર ગુજારનાર યુવકને પરિણીતાએ સંબંધો તોડવાની વાત કરતા તેણે પરિણીતાનું કારમાં અપહરણ કરી મુવાલ ગામમાં લઈ જઈ તેની પર વધુ એક વખત બળાત્કાર ગુજારતા આ બનાવની પરિણતીએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સાવલી તાલુકાના અંધારવાડી ગામમાં રહેતા ૩૭ વર્ષીય નરવત રાવજીસિંહ ગોહિલે સાવલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પતિ સહિતના પરિવાર સાથે રહેતી ૩૫ વર્ષયી સુનિતા (નામ બદલ્યુ છે)ને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે સુનિતા સાથે શરીરસંબંધની માગણી કરી હતી પરંતું સુનિતાએ તેનો વિરોધ કરતા તેણે સુનિતાને મારી નાખવાની ધમકી આપી હતી. છેલ્લા બે માસમાં તે સુનિતાને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો જયાં તેની મરજી વિરુધ્ધ તેની સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યા હતા.દરમિયાન નરવત દ્વારા સુનિતાનું જાતિયશોષણ થતું હોવાની સુનિતાના પરિવારજનોને જાણ થતાં તેઓએ તેની સાથે બોલાચાલી કરી હતી અને થોડાક સમય અગાઉ તેના કારની પણ તોડફોડ કરી હતી. આ બનાવ બાદ સુનિતાએ નરવત સાથે સંબંધ તોડી નાખ્યા હતા. ગત ૩જી તારીખના બપોરે સુનિતા ઝવેરીપુરા ગામે કામઅર્થે ગઈ હતી જયાં કાર લઈને પહોંચેલા નરવતે રોડ પર એકલી જતી સુનિતાને જબરજસ્તી કરી પોતાની કારમાં બેસાડી હતી અને તે કારને મુવાલ ગામની નગરીની બાજુમાં આવેલા બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો અને તેણે વધુ એક વખત સુનિતા પર બળાત્કાર ગુજાર્યો હતો.બળાત્કાર બાદ તે સુનિતાને તેના ઘર પાસે કારમાં છોડીને ફરાર થયો હતો. આ બનાવની સુનિતાએ તેના પરિવારજનોને જાણ કરતા તેઓ ઉશ્કેરાયા હતા અને તેઓએ આખરે નરવત વિરુધ્ધ ફરિયાદ નોંધાવવા માટે સુનિતાને સાવલી પોલીસ મથકમાં લઈ ગયા હતા. સુનિતાની કેફિયતના પગલે પોલીસે નરવત ગોહિલ સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આજે પણ તેના ઘરે દરોડો પાડ્યો હતો જેમાં તે ઘર છોડીને ફરાર થયો હતો.