દિલ્હી-

નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતી છે. આ વર્ષે તેમના જન્મદિવસને ભારત સરકાર 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેતાજીને યાદ કરીને નમન કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે રાષ્ટ્ર તેમના ત્યાગ અને સમર્પણને હંમેશા યાદ રાખશે.રાષ્ટ્રપતિએ નેતાજીને યાદ કરીને લખ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી વર્ષના સમારોહના શુભારંભ પ્રસંગે તેમને સાદર નમન. તેમના અદમ્ય સાહસ અને વીરતાના સન્માનમાં આખું રાષ્ટ્ર તેમની જયંતીને પરાક્રમ દિવસ તરીકે મનાવી રહ્યું છે. નેતાજીએ પોતાના અક્ષણિત અનુયાયીઓમાં રાષ્ટ્રવાદની ભાવનાનો સંચાર કર્યો છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અસાધારણ યોગદાન આપનારા નેતાજી આપણા સૌથી પ્રિય રાષ્ટ્ર નાયકો પૈકીના એક છે. તેમની દેશભક્તિ અને બલિદાનથી આપણને સદૈવ પ્રેરણા મળતી રહેશે. તેમણે આઝાદીની ભાવના પર બહુ જ બળ આપ્યું અને તેને મજબૂત બનાવવામાટે આપણે સંપૂર્ણ કટિબદ્ધ છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને લખ્યું કે મહાન સ્વતંત્રતા સેનાની અને ભારત માતાના સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતી ઉપર શત શત નમન. દેશની આઝાદી માટે તેમના ત્યાગ અને સમર્પણને દેશવાસીઓ હંમેશા યાદ રાખશે. અમિત શાહે કહ્યું કે નેતાજીએ વિપરિત પરિસ્થિતિઓમાં પોતાના કરિશ્માઈ નેતૃત્વથી યુવાશક્તિને સંગઠિત કરી છે. તેમના સાહસ, પરાક્રમે ભારતીય સ્વતંત્રના સંગ્રામને નવી શક્તિ પૂરી પાડી છે. નેતાજી ઉપરાંત બાલાસાહેબ ઠાકરેની પણ આજે જન્મજયંતી હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.