વડોદરા, તા. ૯

શહેરના છેવાડે ભાયલી વિસ્તારમાં સાધનસપન્ન પરિવારમાં રહેતી વિબ્ગ્યોર સ્કુલની ધોરણ ૧૨- સાયન્સની વિદ્યાર્થિનીએ ગત રાત્રે તેના ઘર પાસે નવા બંધાયેલા બહુમાળી ઈમારતના બારમા માળના અગાશી પરથી નીચે ભુસકો મારીને આપઘાત કર્યો હતો. આપઘાતના પગલે ફ્લેટમાં રહેતા રહીશો રોડ પર દોડી આવ્યા હતા. આ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. સગીર વયની વિદ્યાર્થિનીએ અભ્યાસના ભારણથી આપઘાત કર્યો હોવાના અનુમાન સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાયલી વિસ્તારમાં આવેલા પેસિફીકા મેન્ડ્રીડ કાઉન્ટી બંગ્લોઝમાં રહેતા જગદીશભાઈ પટેલ હાલમાં પોડીંચેરી ખાતે અદાણી કંપનીમાં ફરજ બજાવે છે. તેમની ૧૭ વર્ષીય પુત્રી અક્ષી ઘર પાસે આવેલા વિબગ્યોર હાઈસ્કુલમાં ધો. ૧૨(સાયન્સ)માં અભ્યાસ કરતી હતી. ગઈ કાલે રાત્રે અક્ષી તેના ઘરેથી નીકળીને ઘર નજીક હાલમાં નવા બનેલા સેમલુકાસ રેસીડન્સી નામના બહુમાળી ફ્લેટમાં ગઈ હતી.

રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં તે ફ્લેટના ૧૨મા માળે ટોપફ્લોરના ધાબા પર પહોંચી હતી અને ત્યાંથી તેણે પેરાફીટ વોલ પર ચઢીને સીધો નીચે ભુસકો માર્યો હતો. ઉંચાઈ પરથી પડતુ મુકતા અક્ષી ફ્લેટના કમ્પાઉન્ડ વોલની બહાર કાચા રોડ પર પટકાઈ હતી અને તેના માથામાં તેમજ મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. રાત્રે આ રસ્તેથી પસાર થતાં દંપતી અને બે યુવકોએ અજાણી કિશોરીને લોહીલુહાણ હાલતમાં પટકાયેલી જાેતા તેઓએ ફલેટના વોચમેનને કમ્પાઉન્ડ વોલ પાસે યુવતી લોહીલુહાણમાં પડી હોવાની જાણ કરી હતી.વોચમેને જાણ કરતાં ફ્લેટના રહીશો રોડ પર તરફ દોડી ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે આવેલી ૧૦૮ના કર્મીઓએ તપાસ કરતાં અક્ષીનું મોત થયાની વિગતો મળી હતી. બીજીતરફ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવતીની ઓળખ છતી કરવાના પ્રયાસ કર્યા હતાં પરંતું રાત્રે તેની કોઈ વિગતો નહી મળતાં પોલીસે અજાણી યુવતીની નોંધ સાથે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અક્ષીની તપાસ કરી રહેલા પરિવારજનોને કોઈ કિશોરીએ રાત્રે આપઘાત કર્યો હોવાની વિગતો મળતાં તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં અક્ષીની ઓળખ છતી થઈ હતી. પોલીસે અક્ષીની માતાની પ્રાથમિક પુછપરછ કર્યા બાદ આજે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સોંપ્યો હતો. આ બનાવની જાણ થતાં અક્ષીના પિતા વડોદરા આવવા માટે રવાના થયા હોવાની વિગતો સાંપડી છે. આ બનાવની તપાસ અધિકારી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જે.યુ.ગોહિલે જણાવ્યું હતું કે અક્ષી પટેલની વિબ્ગયોર શાળાનું આઈકાર્ડ મળ્યું છે પરંતું તેના મોતનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. અક્ષીએ કદાચ અભ્યાસના ભારણથી આપઘાત કર્યો હશે તેવું અનુમાન છે, અલબત્ત અક્ષીના પરિવારજનોની પુછપરછ બાદ જ કદાચ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

પોશ એરિયામાં કિશોરીની લાશ મળતાં પોલીસ દોડતી થઈ

ભાયલી જેવા પોશ એરિયામાં રાત્રે અક્ષીના આપઘાતના પગલે ઘટનાસ્થળે ટોળાં ભેગા થયા હતા. અક્ષીના મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ જાેતા અને તેની લાશ કેવી રીતે ત્યાં આવી તેની કોઈને ખબર ન હોઈ એક તબક્કે હત્યા કરીને લાશ ફેંકાયાની વાત વહેતી થઈ હતી. બીજીતરફ અજાણી કિશોરીની હત્યાની શંકાની પગલે એક તબક્કે તાલુકા પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે સેમલુકાસ રેસીડન્સી ફ્લેટના ગત રાતના સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરી હતી જેમાં અક્ષી પટેલ રાત્રે એકલી ફ્લેટમાં આવ્યા બાદ ધાબા પર પણ એકલી જ જતી હોવાનું નજરે ચઢતાં તેણે આપઘાત કર્યો હોવાની પૃષ્ટી થઈ હતી જેને પગલે ગત રાતથી ચાલતા તર્કવિતર્કોનો અંત આવ્યો હતો.

રોડ પર યુવતીની લાશ પડી છે તેટલું બોલી ત્રણ યુવકો ફરાર થયા

અક્ષીની લાશ બહુમાળી બિલ્ડીંગના કમ્પાઉન્ડ વોલ પાસે પડી હતી જે અંગેની ત્યાંથી પસાર થતાં બાઈકસવાર ત્રણ યુવકોએ બિલ્ડીંગના વોચમેનને સૈાપ્રથમ જાણ થઈ હતી. વોચમેને તેની કંપનીના અધિકારીઓને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરાઈ હતી. વોચમેને પોલીસને જણાવ્યું હતું કે તે ગેટ બંધ કરતો હતો તે સમયે બાઈક પર આવેલા ત્રણ યુવકો ‘રોડ પર એક યુવતીની લાશ પડી છે’ માત્ર એટલી જાણ કરી ફરાર થઈ ગયા છે, બાકી મને કંઈ ખબર નથી. અક્ષીની લાશ રોડ પર ક્યાંથી આવી તેની રાત્રે કોઈ જાણકારી ન હોઈ વોચમેનની વાત સાંભળીને શરૂઆતમાં ઉક્ત ત્રણ અજાણ્યા યુવકો શંકાના ઘેરામાં આવતા મામલો ગુંચવાયો હતો.