નવી દિલ્હી-

ગઈ 14 ઓગસ્ટે દિલ્હીથી હોંગકોંગ ગયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના 14 પ્રવાસીઓનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હોંગકોંગ સરકારે આદેશ આપ્યો છે કે ઓગસ્ટના અંત સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સને હોંગકોંગમાં ઉતારવા દેવામાં નહીં આવે.

હોંગકોંગ સરકારે ગયા જુલાઈમાં બહાર પાડેલા નિયમો અનુસાર, ભારતમાંથી કોઈ પણ પ્રવાસી એ શરતે જ હોંગકોંગમાં પ્રવેશી શકશે જો એની પાસે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટવાળું સર્ટિફિકેટ હોય, જેની ટેસ્ટ એણે તેની સફર શરૂ કર્યાના 72 કલાક પહેલા કરાવી હોય. હોંગકોંગના આરોગ્ય વિભાગના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગઈ 14 ઓગસ્ટે એર ઈન્ડિયાની જે ફ્લાઈટ ભારતથી હોંગકોંગ આવી પહોંચી હતી એમાંના 11 પ્રવાસીઓને કોવિડ-19નો ચેપ લાગ્યાનું કન્ફર્મ થયું હતું.

ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 29,05,823 નોંધાઈ છે. આ બીમારીથી થયેલા મરણનો આંકડો અત્યાર સુધીમાં 54,849 છે. શુક્રવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં 983 જણના કોરોનાને લીધે મરણ થયા હતા એવું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.