રાજપીપળા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલા કાકડીઆંબા ડેમની સપાટી ૧૮૬.૫૦ મીટર નોંધાવા પામી છે.કાર્યપાલક ઇજનેર પ્રતાપભાઇ વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ આજની સ્થિતિએ કાકડીઆંબા ડેમમાં ૭.૬૦ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે, જેને લીધે હાલ ૮૧ ટકા કુલ પાણીનો સ્ટોરેજ થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.વધુમાં તેમણે કહ્યું હતું કે, કાકડીઆંબા ડેમનો એફ.આર.એલ ૧૮૭.૭૧ છે, જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

નર્મદા જિલ્લાસમાં તા.૨૦ મી ઓગસ્ટ, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૫૯ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૩૧ મિ.મિ., સાગબારા તાલુકામાં-૩૧ મિ.મિ, ગરૂડેશ્વર તાલુકામાં-૨૧ મિ.મિ અને તિલકવાડા તાલુકામાં-૧૮ મિ.મિ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લાા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૮૧૬ મિ.મિ વરસાદ નોંધાયો છે.જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૩૦૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે.

જ્યારે સાગબારા તાલુકો- ૯૦૮ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૬૬૪ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૬૫૭ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૫૫૧ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.