વોર્ડ -૮ના ૮૦૦ કાર્યકરોના ભાજ૫માંથી રાજીનામા
25, જાન્યુઆરી 2021

વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં વોર્ડ -૯ માંથી ચૂંટાયેલ આરએસપીની પેનલના ત્રણ કાઉન્સિલરોને રાજેશ આયરેની નેતાગીરીમાં ભાજપમાં પ્રવેશ આપવામાં આવતા ભડકો થવા પામ્યો છે. જેની આગની જ્વાળાઓ ત્રણ ત્રણ દિવસ પછીથી પણ સંવા પામી નથી .તેમજ પૂર્વ મેયર ડો.જિગીષાબેન શેઠના વોર્ડ -૮ના આક્રમક મૂડમાં આરપારની લડાઈ લડી લેવાને માટે એકજુટ થયેલા ભાજપના આઠસો જેટલા કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. અલબત્ત તેઓએ અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે જાેડાણ કર્યાની વાત હજુ સુધી કરી નથી. જેને લઈને વડોદરા શહેર ભાજપના મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલ સોલંકીના ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસોને ધરાર નિષ્ફળતા પ્રાપ્ત થઇ છે. આને લઈને શહેર ભાજપના અગ્રણીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. એક તરફ શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ આરએસપીના નેતા રાજેશ આયરેના ભાજપ પ્રવેશને લઈને પાલિકાની આગામી ચૂંટણીઓમાં ભાજપની વોર્ડ-૮, ૯, ૧૦ અને ૧૧ એમ ચાર ચાર વોર્ડમાં સ્થિતિ મજબૂત બનશે એવો દાવો કરી રહયા છે. ત્યારે બીજી તરફ આજ વોરદોના કાર્યકરોમાં રાજેશ આયરેના પક્ષ પ્રવેશ સામે ભાજપમાં ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવતા પક્ષને માટે સાપે છછુન્દર ગળ્યા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. જાે કે પક્ષ દ્વારા ધારાસભ્ય અને વોર્ડના અન્ય કાર્યકરોને જે તે દિવસે રાત્રેજ ઉજાગરા કરીને મનાવવામાં સફળ રહયાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં હજુ સુધી કાર્યકરોનો રોષ શાંત ન પડતા અને એમને સમજાવવામાં પક્ષના અગ્રણીઓ કાચા પડતા હવે એવી પક્ષજને માટે એક તરફ ખાઈ અને એક તરફ કુવા જેવી બાબત બનતા એનો ઉકેલ લાવવાનું ચૂંટણીની જાહેરાત થઇ ગયા પછીથી અઘરું બની જવા પામ્યું છે. જાે કે હજુ પણ કાર્યકરોને ક્યાંકને ક્યાંક પ્રલોભનો આપીને કે પછીથી શામ ,દામ,દંડ ભેદની નીતિ અપનાવીને પણ શાંત પાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ તેમ છતાં કાર્યકરો ટસના મસ ન થતા નેતાઓની મુંઝવણ વધી જવા પામી છે. એમાં જે તે દિવસે પક્ષના કાર્યાલયે તાળાબંધી કર્યા પછીથી હવે કાર્યકરોએ સામુહિક રાજીનામા આપતા આ કોકડું વધુ ગૂંચવાયું છે. એને સામી ચૂંટણીઓએ ઉકેલવાને માટે પક્ષના મોટા ભાગના અગ્રણીઓ ડેમેજ કંટ્રોલ કરવાની કામગીરીમાં લાગી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ અને પીઢ કાઉન્સિલર એવા ચિરાગ ઝવેરીને પણ ભાજપમાં લેવાનો તખ્તો ગોઠવાઈ ગયો હતો. જે બાબત બહાર લીક થઇ જતા માંજલપુર વિસ્તારના ભાજપના કાઉન્સિલર જય રણછોડ ઉર્ફે કલ્પેશ પટેલની આગેવાનીમાં સ્થાનિક કાર્યકરોએ શહેર ભાજપના પ્રમુખ ડો.વિજય શાહનો ઘેરાવો કરીને ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરતા આખરે તેઓને આવો કોઈ પ્રવેશ અપાનાર નથી એવી ખાતરી આપવાની જરૂરત પડી હતી. જાે કે હજુ ભાજપ દ્વારા કોંગ્રેસના વધુ ચૂંટાયેલા કાઉન્સીલરોને પક્ષમાં સમાવીને મિશન -૭૬નું લક્ષ્ય પ્રાપ્ત કરવાને માટે નેતાઓ આકાશ પાતાળ એક કરી રહ્યા છે. પરંતુ તેઓના આ હવનમાં હાડકા નાખનાર ખુદ પક્ષના જ કાર્યકરો વિલન બનતા આ પ્રક્રિયાને બ્રેક લગાવવાની નેતાઓને ફરજ પડી છે. જેથી મિશન-૭૬ માં કોઝ વિઘ્ન ઉભું થાય નહિ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution