અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. મોડાસા શહેરમાં ૩૦૦ જેટલા દર્દીઓ કોરોનાના સંક્રમણો ભોગ બન્યા છે. મોડાસા શહેરમાં માલપુર રોડ પર આવેલી સબજેલમાં કાચા અને પાકા કામના ૧૩૮ કેદીઓ રાખવામાં આવ્યા છે. જેમાંથી એક સાથે ૭૧ કેદીઓને કોરોના રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.ત્યારે દિવસે દિવસે વધી રહેલા કોરોના સંક્રમણ જોતા લોકોએ હાલ સાવચેતી રાખવાની જરૂર છે.  

અરવલ્લી જિલ્લામાં કોરોના કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. સરકારી ચોપડે કોરોનાના દર્દીઓની ૫૯૫ પર પહોંચી છે. બીજી તરફ શિયાળાની શરૂઆત થતા કોરોના રેપીડ પોઝિટીવ કેસો પણ વધી રહ્યા છે.

હાલ જિલ્લામાં રોજના ૧૦૦ જેટલા રેપીડ પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી સબ જેલના ૧૩૮ કેદીઓના મંગળવારના રોજ કોરોના રેપીડ ટેસ્ટ કરાવ્યા હતા. જે પૈકી ૭૧ કેદીઓને રેપીડ પોઝિટીવ આવતા હડકંપ મચ્યો છે. જેલ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેલના કેદીઓને મોડાસા અને વાત્રક કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.બીજી તરફ જેલમાં અડધો અડધ કેદીઓનો રેપિડ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા જેલને આરોગ્ય તંત્ર દ્વારા સેનેટાઇઝેશનની કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સબજેલમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે જેલમાં એક કેદીને રવિવારે તાવ, શરદીની તકલીફ થયા બાદ તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા જેલ અધિકારી અને આરોગ્ય વિભાગ દ્વારા જેલના બધા જ કેદીઓના ટેસ્ટ કરાવવાનું નકી કરાયા બાદ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવતા આ ચોંકાવનારી વિગત સામે આવી છે. જેના પગલે જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.