મહેસાણા-

માથાના વાળ એ સ્ત્રીની પહેલી સુંદરતાનું પ્રતીક હોય છે અને કોઈ સ્ત્રી માટે તેના માથાના વાળ એ પ્યારું અંગ હોય છે. સમાજમાં કેન્સરગ્રસ્ત લોકો પોતાની સારવારને કારણે વાળ ગુમાવતા હોય છે અને તેઓ જાહેરમાં ફરતા શરમ કે સંકોચ અનુભવતા હોય છે. આ પરિસ્થિતિ મહિલાઓ માટે ખૂબ કઠિન સાબિત થતી હોય છે. જોકે વર્ષ 2015થી વિસનગરમાં શરૂ થયેલ એક સંસ્થાના સંચાલક તૃપલભાઈ પટેલે પોતે સામજિક સેવા કાર્યથી પ્રેરાઈ સોશિયલ મીડિયામાં બાલ્ડ બ્યૂટી વર્લ્ડ  નામથી પ્રચાર પ્રસાર શરૂ કરતાં રાજ્યમાં 600 થી વધારે અને ભારતમાં 1500થી વધારે સ્ત્રીઓએ પોતાની ઈચ્છાથી કેન્સરગ્રસ્તોને મદદરૂપ થવા પોતાના વાળનું દાન કર્યું છે.

કેન્સરગ્રસ્તોની મદદ માટે વાળનું દાન કરનાર મહેસાણાની 22 વર્ષીય શિક્ષિત યુવતી તિથિ પ્રજાપતિએ અમદાવાદ ખાતે જઈને સલૂનમાં પોતાના વાળ કપાવી મુંડન કરાવ્યું છે. તિથિ દ્વારા પોતાના વાળ આગામી દિવસમાં બોમ્બેની એક મદદ નામની સંસ્થાને મોકલવામાં અવનાર છે, જે સંસ્થા વાળનું દાન સ્વીકારી તે વાળની વિગ બનાવડાવીને કેન્સરગ્રસ્તોમાં જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક વિતરણ કરે છે. તિથિ પોતે મુંડન કરાવ્યા બાદ સમાજમાં ખુલ્લા માથે ફરશે જેથી જે લોકોને કેન્સર કે કોઈ અન્ય સમસ્યામાં માથાના વાળ નથી તે લોકો માટે પણ તે શરમ કે સંકોચ દૂર કરવાની પ્રેરણા પુરી પાડશે. કેન્સરગ્રસ્તોની સારવાર દરમિયાન માથાના વાળ જતાં રહેતાં હોય છે. જેને લઇને ઘણીવાર તેઓ ક્ષોભશરમ અનુભવતાં હોય છે. તેવા શરમસંકોચને દૂર કરવા માટે મહેસાણાની 22 વર્ષની એક યુવતી તિથિએ પોતાના વાળ કઢાવી નાંખી અમદાવાદમાં મુંડન કરાવ્યું હતું. તિથિ પોતાના વાળ કેન્સરગ્રસ્તો માટે વિગ બનાવતી સંસ્થાને મોકલી આપશે.