સુરત જિલ્લામાંથી પણ ૨૩૯ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત
27, એપ્રીલ 2025

સુરત,માંડવી, કાશ્મીરનાં પહેલગામમાં ૨૬ સહેલાણીઓને ધર્મ પૂછીને ગોળી મારનારા આતંકવાદીઓ સાથે તેને આશ્રય આપનારા પાકિસ્તાન સામે પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. કેન્દ્ર સરકારનાં દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારો દ્વારા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા સાથે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પણ કાર્યવાહી આરંભી છે. સુરત પોલીસે સરકારની ઈચ્છા અનુસાર રાતોરાત ૧૩૪ બાંગ્લાદેશીઓને શોધી પણ કાઢ્યા હતાં. જ્યારે સુરત જિલ્લા પોલીસે પણ ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ ૨૩૯ શંકાસ્પદ બાંગલાદેશી વ્યક્તિઓને પકડી તપાસ હાથ ધરી છે. સુરત રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોયસરનાં માર્ગદર્શન હેઠળ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે કાર્યવાહી શરૂ થઈ છે. આ સર્ચ ઓપરેશનમાં એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ૪ ટીમો સામેલ હતી. સાથે જ વિવિધ પોલીસ સ્ટેશનોની ૮ ટીમોએ પણ ભાગ લીધો હતો. પોલીસે બારડોલી ટાઉન, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, ઓલપાડ અને માંડવી વિસ્તારમાંથી આ શંકાસ્પદોને પકડ્યા છે. તમામને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા બાદ પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી હતી. સુરતનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોયસરેએ જણાવ્યું કે, સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડની ૪ ટીમ તેમજ બારડોલી ટાઉન, બારડોલી રૂરલ, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, માંડવી સ્થાનિક પોલીસની કુલ ૮ ટીમો મળી સુરત જિલ્લામાં પોલીસની કુલ ૧૨ ટીમો બનાવવામાં આવી હતી, આ ટીમો દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ટીમોએ ૨૬ એપ્રિલના રોજ ૧૩૦ અને આજે ૨૭ એપ્રિલના રોજ ૧૦૯ શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમો મળી આવ્યા હતા. જેમાં બારડોલી ટાઉનમાંથી ૪૨, પલસાણા વિસ્તારમાંથી ૪૫, કડોદરા પંથકમાંથી ૨૯, કામરેજથી ૩૫, કીમ વિસ્તારમાંથી ૧૩, ઓલપાડથી ૩૩ અને માંડવીથી સાત બાંગ્લાદેશી ઘૂષણખોરો ઝડપાયા હતાં. આ તમામને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓની પૂછપરછ કરી નાગરિકતા અંગે વેરિફિકેશન અંગેની કામગીરી કરવામાં આવી રહી છે.

૧૫૦૦થી ૧૫૦૦૦ રૂપિયા વસૂલી બાંગ્લાદેશી અને બંગાળી એજન્ટો સરહદ પાર કરાવે છે

 લગભગ ૪,૦૦૦ કિલોમીટર લાંબી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ હંમેશાથી ભારતીય અધિકારીઓ માટે એક મોટો પડકાર રહી છે. ભારત-બાંગ્લાદેશ સરહદ, જે નદી, વન અને દૂરનાં ગામડાંથી થઈને પસાર થાય છે. એક જટિલ વિસ્તાર છે જેને સુરક્ષિત કરવો મુશ્કેલ છે. વર્ષોના પ્રયત્નો છતાં, તેના મોટા ભાગ હજુ પણ બેરિકેડથી મુક્ત છે, જેનાથી આ વિસ્તાર ઘૂસણખોરી અને તસ્કરી માટે ખુલ્લો અને સરળ માર્ગ છે. ખાસ કરીને ઉત્તર બંગાળમાં સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. જ્યાં નદીઓ ઘણી વખત પોતાનો રસ્તો બદલી દે છે અને સરહદોમાં ફેરફાર થતો રહે છે અને બેરિકેડ લગાવવો અસંભવ થઈ જાય છે. આ ઘૂસણખોરો અને તસ્કરો માટે સરળ એન્ટ્રી પોઈન્ટ બનાવે છે. અહીંથી રાત્રીના સમયે નદી અને જંગલ વિસ્તારોમાંથી ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરતા હોય છે. પશ્ચિમ બંગાળના પરગના જિલ્લાના પેટરાપોલ સીમા, તલાલી ગામ હકીમપુરગામ અને હસનાબાદમાંથી સૌથી વધું ઘૂસણખોરી થાય છે. ઘૂસણખોરી કરાવનાર એજન્ટો પણ ત્યાં મોટી સંખ્યામાં કાર્યરત છે. તેઓ ૧૫૦૦થી ૧૫,૦૦૦ રૂપિયા લઇ બોર્ડર ક્રોસ કરાવી આપે છે. સીમા ઓળંગ્યા બાદ પશ્ચિમ બંગાળમાં એજન્ટો મારફતે પહેલા બાંગ્લાદેશીઓ ભારતીય નાગરિક હોવાના ખોટા ડોક્યુમેન્ટો રૂપિયા આપી બનાવી લેતા હોય છે પછી તે ડોક્યુમેન્ટોથી સુરતમાં મજૂરીકામ કરી ત્યાં વસવાટ કરતા હોય છે. પુરુષો છૂટક મજુરી કે, કારખાનામાં નોકરી કરતાં હોય છે. જયારે મહિલાઓને બ્યુટીપાર્લર, સ્પા ઓથે સેક્સ રેકેટમાં ધકેલી દેવામાં આવે છે.

સુરત શહેર પોલીસે શરૂ કરેલા વેરિફિકેશનમાં ૫૦થી વધુ બાંગ્લાદેશનાં વતની નીકળ્યા

સુરત પોલીસે માત્ર ૫ કલાકમાં શહેર અને ગામમાંથી કુલ ૧૩૪ સંદિગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે જેમાં ૪૭ મહિલા અને ૮૭ પુરૂષ છે. આ તમામની અટકાયત ઊન, ફૂલવાડી અને કડોદરા વિસ્તારમાંથી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ઊન વિસ્તારમાંથી ૬૪ અને સુરત ગ્રામ્ય વિસ્તાર કડોદરામાંથી ૩૪ લોકો પકડાયા છે. આ તમામ લોકોને ટ્રેનિંગમાં જે પોલીસ જવાનો નંબર પહેરતા હોય છે તે નંબર પહેરાવવામાં આવ્યા હતા. જેથી તેમની ગણતરી સહેલાઈથી કરી શકાય. જ્યાં આ લોકોને રાખવામાં આવશે ત્યાંથી આ લોકો ફરાર ન થઈ જાય તે માટે સીસીટીવી કેમેરાથી તેમના પર ચાંપતી નજર રાખવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં જાણવા જોગ નોંધ કરી તપાસ એસઓજી પીઆઇ પંડ્યાનો સોંપવામાં આવી છે. આ તમામને રાંદેર વિસ્તાર ખાતે આવેલા ભિક્ષુક ગૃહમાં રાખી તેમના ઓળખ અને રહેઠાણના પુરાવાનું ક્રોસ વેરિફિકેશન કરાઇ રહ્યું છે. એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનાં ૧૦ પોલીસ ઇન્સપેક્ટર દ્વારા તમામ સંદિગ્ધ બાંગ્લાદેશીઓનાં ડોક્યુમેન્ટ વેરિફાઈ કરાઇ રહ્યાં છે. સાંજ સુધીની તપાસમાં ૫૦ જેટલા વ્યક્તિ બાંગ્લાદેશના વતની હોવાનું કન્ફર્મ થઇ ચૂક્યું છે. આ વ્યક્તિઓ પાસે પણ ભારતીય નાગરિક તરીકેની આઇડી મળી આવી છે. આ તમામને અલગ તારવી પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. સરકારનાં નિર્દેશ અનુસાર કાર્યવાહી થઇ રહી હોવાથી શંકાના આધારે આ તમામની ડિપોર્ટ કાર્યવાહી કરી શકાશે એવું સૂત્રો જણાવી રહ્યા છે.

બિહાર આરજેડીની મહિલા પ્રમુખે કરેલી ટ્વીટથી ગુજરાત પોલીસ દોડતી થઇ

૨૫ એપ્રિલની રાત્રે ૩ વાગ્યે અમદાવાદ અને સુરતમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે બાંગ્લાદેશી સમજીને અમુક બિહારી યુવકોને પણ અટકાયતમાં લઈ લીધા હતા. આ મામલે બિહાર આરજેડીના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ રીતુ જયસ્વાલે ટ્વીટ કરતા મામલો ગરમાયો હતો. તેમણે જણાવ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહીમાં બિહારના ભાયા ગામના લોકોને પકડીપાડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, મારા મત વિસ્તારના પરિહાર વિધાનસભાના ભાયા પંચાયતના કેટલાક યુવાનો આ કાર્યવાહીમાં ફસાઈ ગયા છે. તેઓ નોકરી માટે ગુજરાત આવ્યા હતા અને તેમને બાંગ્લાદેશી બતાવીને અટકાયત કરવામાં આવી છે. ભાયા પંચાયતના સરપંચ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી છે અને એક પત્રના માધ્યમથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેઓ તમામ ભારતના નાગરિક અને બિહાર રાજ્યના વતની છે. “હું બિહાર સરકારને આગ્રહ કરું છું કે આ મામલે કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાત સરકારનો સંપર્ક કરી જણાવવામાં આવે કે આ તમામ યુવાનો નિર્દોષ છે અને તેમને હેરાન કરવામાં ન આવે.” આ ટ્વીટ બાદ ગુજરાત પોલીસ દોડતી થઇ હતી. જેમના નામે ટ્વીટ કરાયું હતું એ મોહમ્મદ રબાની, મોહમ્મદ નેક મોહમ્મદ, મોહમ્મદ મુબારક અને મોહમ્મદ આઝમને અમદાવાદ પોલીસે પકડ્યા હોવાથી તેઓનું ક્રોસ વેરિફિકેશન કરી મુક્ત કરાયા હતાં. આ ટ્વીટ બાદ તમામ શહેર જિલ્લા પોલીસને તકેદારી સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution