ગાંધીનગર, કોરોનાના ઉત્પતિ દેશ ચીનમાં ફરી વખત કોરોનાએ માથું ઊંચક્યું છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને સરકાર દ્વારા પગલાં ભરવાનું આરંભી રાજ્યની ૩૨ હજારથી વધુ પ્રા.શાળાઓમાં વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા માટે મૌખિક સૂચનાઓ અપાઈ છે. જાે કે આ અંગે સરકાર દ્વારા કોઈ લેખિતમાં પરિપત્ર કે સૂચના અપાઈ ન હોવાનું શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યુ હતું.

ચીન, બ્રાઝિલ સહિતના ૧૦ જેટલા દેશોમાં કોરોનાનું ફરી સંક્રમણ જાેવા મળ્યું છે, તેને અનુલક્ષીને સરકાર પણ સાવચેત થઈ ગઈ છે. સરકાર દ્વારા નાગરિકોને કેન્દ્ર સરકારની કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ નાગરિકોએ પણ પોતપોતાની રીતે સ્વૈચ્છિક રીતે ફરીથી માસ્ક પહેરવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે શાળાએ જતાં બાળકો કોરોનાના સંક્રમણમાં ન સપડાય તે માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કાર્યવાહી આરંભી દીધી છે. સરકાર દ્વારા રાજ્યની ૩૨ હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટેના મૌખિક આદેશો કરાયા છે. જેમાં આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટે વિવિધ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓ દ્વારા તેમના જિલ્લાની શાળાઓને સૂચનાઓ અપાઈ છે. જેમાં શાળાઓને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની મૌખિક સૂચનાની સાથોસાથ શાળાઓમાં બાળકોની ૫૦ ટકા સંખ્યા રાખવાની પણ ભલામણ કરાઇ છે.

શિક્ષણ વિભાગે કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી ઃ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર

રાજ્યની ૩૨ હજાર પ્રાથમિક શાળાઓમાં કોરોનાનિ માર્ગદર્શિકાનું પાલન કરાવવા અંગેની સૂચનાઓ અંગે રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર સાથે વાત કરતાં જનસત્તા લોકસત્તાને જણાવ્યુ હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા કોઈ શાળાઓને માસ્ક ફરજિયાત કે શાળાઓમાં ૫૦ ટકા બાળકોની હાજરી અંગે કોઈ પરિપત્ર કરાયો નથી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે આરોગ્ય વિભાગે સૂચના આપી છે. તેનું પાલન કરાવવા માટે જે તે જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરાયો હશે તે મુજબ સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં અમલ કરાવશે.

માર્ગદર્શિકાના પાલન માટે શિક્ષણ વિભાગની જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના

શિક્ષણાધિકારી દ્વારા આ માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે પરિપત્ર કરાશે

શાળાઓમાં માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાવાશે

રાજ્યની ૩૨ હજાર પ્રાથમિક શાળાઓમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરાવાશે

શાળાઓમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે, ટોળાં એકઠાં ન થાય તે માટે શાળાઓને ધ્યાન આપવા ડીઈઓની સૂચના