ગીર- સોમનાથના ૨૦ માછીમારો વતન પરત ફર્યા ઃપરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા
19, નવેમ્બર 2021

જૂનાગઢ, પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ ૨૦ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવતા તમામ માછીમારો વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. જેઓ ગુરૂવારના રોજ માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા હતા. બે-ત્રણ વર્ષ સુધી પરિવારથી દૂર રહેલા માછીમારોને જાેતા જ તેના પરિવારજનો તેઓનો ભેટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. માછીમારોએ લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફર્યાનો આનંદ વ્યકત કર્યો હતો. પાકિસ્તાની જેલમાં બંધ પોતાના સાથીઓને વહેલીતકે મુક્ત કરાવવાની માગ પણ કરી હતી. પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય માછીમારો પૈકીના ૨૦ માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામા આવ્યા હતા. આ તમામ માછીમારોની વાઘા-અટારી બોર્ડર પર ભારતને સોંપણી કરવામા આવી હતી. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો આજે માદરે વતન વેરાવળ પરત પહોંચ્યા હતા. જે ૨૦ માછીમારો પરત ફર્યા છે તેમાં ૧૯ ગીર સોમનાથના અને ૧ પોરબંદરનો રહેવાસી છે. નવાબંદરનો એક માછીમાર ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતો. જ્યારે બાકીના માછીમાર બેથી ચાર વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં બંધ હતા. પાકિસ્તાની મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ બે વર્ષથી તો કોઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતું. તમામના પરિવારજનો પોતાના પરિજન પાકિસ્તાનની જેલમાંથી પરત આવે તેની રાહ જાેઈ રહ્યા હતા. ગુરૂવારના રોજ ૨૦ માછીમારો વેરાવળ પરત ફરતા જ તેના પરિવારજનો પોતાના સ્વજનને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.સૌ કોઈની આંખો ભીની થઈ ગઇ હતી. ગીર સોમનાથના ૧૯ અને પોરબંદર જિલ્લાનો ૧ માછીમાર પાકિસ્તાની જેલમાં યાતના ભોગવી માદરે વતન પરત ફરતા તેમના અને તેમના પરિવારજનોમાં આનંદ જાેવા મળતો હતો. પરંતુ, જે માછીમારો પરત ફર્યા છે તેઓને દુઃખ એ વાતનું છે કે, હજી પણ તેના ૫૮૦ જેટલા સાથીઓ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution