રાજકોટમાં કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા : જૂનાગઢમાં વધુ એકનું મોત
26, જુલાઈ 2020

રાજકોટ,તા.૨૫ 

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં વોર્ડ નંબર ૧૦ના કોર્પોરેટર આરતીબેન જાેષીના પતિ પરેશભાઈ જાેષીનું આજે કોરોનાથી મોત નિપજ્યું છે. જ્યારે રાજકોટમાં કોરોના કેસ વધ્યા બાદ હવે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવનોં આંક ૧૩૦૦ને પાર પહોંચી ગયો છે. રાજકોટમાં આજે વધુ ૩૩ પોઝિટિવ કેસ નોંધાયા છે અને એકનું મોત નીપજ્યું છે. રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા ૮૬૪ થઇ છે. જુનાગઢમાં આજે કોરોનાથી એકનું મોત નીપજ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પીઆઈ એચ.એમ. ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ગઈકાલે તેના ભાઇ અને માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગત અઠવાડિયામાં જ બદલી થઇ હતી. રાજકોટમાં કોરોના શંકાસ્પદ ૩ દર્દીના મોત નીપજ્યા છે. જેમાં ગીતાબેન દાદુભાઇ ડાભી (ઉં.વ.૫૦), સોમગીરી કાનગીરી ગોસાઇ (ઉં.વ.૮૨) અને ચમનભાઇ નારણભાઇ સોલંકી (ઉં.વ.૭૧)નો સમાવેશ થાય છે. ત્રણેયનો રિપોર્ટ આવે તે પહેલા જ મોત નીપજ્યું છે. આ સિવાય ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી ઇલેક્ટ્રીક વેપારીનું મોત નીપજ્યું છે. સદર બજારમાં રહેતા જાફરભાઇ ભારમલ (ઉં.વ.૫૭)નું મોત નીપજ્યું છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution