હળવદ, હળવદ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. હળવદ ખાતે ૮ મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા તેમજ એક બાળકની દફનવિધિ કરાઈ છે. અન્ય ૩ લોકોના અગ્નિ સંસ્કાર કચ્છના કુંભારીયા ગામ ખાતે કરવામાં આવ્યા હતા. હળવદની ગોઝારી ઘટનામાં કારખાનાની દિવાલ ધરાશાયી થતાં ૧૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ ઘટનામાં મોતને ભેટેલા ૨૪ વર્ષના શીતલબેન દિલીપભાઇના પેટમાં સાડા સાત માસનો ગર્ભ હતો. આ ગર્ભવતી મહિલા સહિતના એક જ પરિવારના છ લોકોના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો હતો. તેમજ એકી સાથે ગામમાંથી આટલી મોટી સંખ્યામાં સ્મશાન યાત્રા નીકળતા સમગ્ર હળવદ પંથકમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતાં એક જ પરિવારના ૬ સહિત ૧૨ લોકોનાં મોત થયા હતા. હળવદ પંથક સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત નિપજતા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી કઠણ કાળજુ ધરાવતા લોકોનું પણ કાળજુ દ્રવી ઉઠ્‌યું છે. આ ઘટનાથી હળવદ પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. ત્યારે હળવદના વેપારીઓ આજે અડધો દિવસ દુકાનો બંધ રાખી શોક પાળશે અને વેપારીઓ દ્વારા શોકસભા યોજી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાશે.